રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએ, 12 થી 13 દિવસનો રહેશે પ્રવાસ

નવી દિલ્હીઃ સ્વયંને શિવભકત ગણાવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 12-13 દિવસની કૈલાસ માનસરોવરની યાત્રાએ જઇ રહ્યા છે. આ અંગે કોંગ્રેસના સૂત્રોએ જાણકારી આપી હતી. અગાઉ રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે.

રાહુલ ગાંધીંની કૈૈલાસ માનસરોવર યાત્રાની ખાસ બાબત એ હશે કે તેઅો નેપાળ નહીં, પરંતુ ચીનના માર્ગે કૈલાસ માનસરોવરની યાત્રાએ જશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલે પોતાને જનોઇધારી હિંદુ અને શિવભકત ગણાવ્યા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ રુદ્રાક્ષની માળા પણ પહેરે છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસોમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ રુદ્રાક્ષની માળા પણ જોવા મળી હતી.

વાસ્તવમાં કર્ણાટકની ચૂંટણી વખતે રાહુલ ગાંધી સાથે એક એવી ઘટના બની હતી જેનાથી તેમના મનમાં કૈૈલાસ માનસરોવર જવાનો વિચાર આવ્યો હતો. એપ્રિલમાં દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનઆક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું બે-ત્રણ દિવસ પહેલાં કર્ણાટક જતો હતો ત્યારે મારું વિમાન અચાનક ૮,૦૦૦ ફૂટ નીચે આવી ગયું હતું.

એ વખતે હું અંદરથી વિચલિત થઇ ગયો હતો. મને ભગવાન શિવ યાદ આવી ગયા હતા અને મેં કૈૈલાસ માનસરોવર જવાનો નિર્ણય કર્યો હતો.

હિંદુ ધર્મમાં કૈૈલાસ માનસરોવરની યાત્રાનું સવિશેષ મહત્ત્વ છે. શિવભકતો માટે તે ખાસ મહત્ત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે કૈૈલાસ માનસરોવર પર ભગવાન શિવનો વાસ છે.

You might also like