કોંગ્રેસમાં રાહુલ યુગનો પ્રારંભઃ અધ્યક્ષ પદે વાજતે ગાજતે વિધિવત્ તાજપોશી

નવી દિલ્હી: દેશના સૌથી જૂના રાજકીય પક્ષમાં આજે એક નવા યુગની શરૂઆત થઇ ગઇ છે. સોનિયા ગાંધી બાદ હવે કોંગ્રેસ રાહુલ રાજમાં આગળ વધશે. આજે રાહુલ ગાંધીને કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે પ્રમાણપત્ર મળી જવા સાથે તેમણે આજે અધ્યક્ષ તરીકે વિધિવત કાર્યભાર સંભાળી લીધો છે અને કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીના રિટર્નિંગ ઓફિસરે રાહુલની બિનહરીફ જીતની જાહેરાત કરી હતી. આમ ૪૭ વર્ષીય રાહુલ આજે ૧૩ર વર્ષ જૂના કોંગ્રેસ પક્ષના ૪૯મા અધ્યક્ષ બની ગયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ રાહુલ ગાંધીને અભિનંદન. પક્ષમાં તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ.’ રાહુલ ગાંધી આજે વિધિવત્ કોંગ્રેસના અધ્યક્ષ બનવાની સાથે સાથે કોંગ્રેસ વડા મથકમાં નેમ પ્લેટ પણ બદલાઇ ગઇ હતી. રાહુલ ગાંધી માટે આજનો દિવસ જેટલો મોટો છે તેેને વધુ જાજરમાન બનાવવા માટે પક્ષના કાર્યકરોએ ભરપૂર તૈયારીઓ કરી હતી.

રાહુલ ગાંધીના અધ્યક્ષપદની ઉજવણી કરવા માટે દિલ્હીના ચાંદની ચોકથી ખાસ કંદોઇઓ બોલાવીને જલેબી અને લાડુ સહિતની ‌મીઠાઇઓ બનાવવામાં આવી હતી અને કોંગ્રેસ કાર્યાલયમાં ‌મીઠાઇ વહેંચવામાં આવી હતી. સાથે સાથે લોકગીતો પણ ગાવામાં આવ્યાં હતાં. પક્ષના વડા મથકમાં રાહુલ ગાંધીના અધ્યક્ષપદ સમારોહ માટે સ્પેશિયલ સ્ટેજ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીની તાજપોશીને લઇને દેશભરના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોમાં જબદરસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાહુલ ગાંધીની તાજપોશીનો જશ્ન મનાવવા દેશના ખૂણે ખૂણેથી કાર્યકરો દિલ્હી પહોંચી ગયા હતા. આ ઉપરાંત દેશભરમાં પણ કોંગ્રેસ કાર્યાલયોમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો. રાહુલ રાજની ખુશીમાં દિલ્હી, લખનૌ સહિત અનેક સ્થળોએ પક્ષના વડા મથકે સુંદર રોશની કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તમામ સાંસદો, ધારાસભ્યો, સીએલપી નેતા, પીસીસી અધ્યક્ષ, એઆઇસીસીના તમામ પદાધિકારીઓ પક્ષની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા હાજર રહ્યા હતા. ગાંધી પરિવારમાંથી કોંગ્રેસના અધ્યક્ષ બનનાર રાહુલ ગાંધી પાંચમી વ્યકિત છે.

આ અગાઉ ૧૧ ડિસેમ્બરે રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા એમ.રામચંદ્રને તેની વિધિવત્ જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે એકલા રાહુલ ગાંધીએ જ ફોર્મ ભર્યું હતું. ત્યાર બાદ શુક્રવારે સોનિયા ગાંધીએ નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હવે હું રિટાયરમેન્ટની ભૂમિકામાં રહીશ.

જોકે કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષપદેથી નિવૃત્ત થઇ રહ્યાં છે, સક્રિય રાજનીતિમાંથી નહીં. તેમની પક્ષ પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતા કોંગ્રેસનું માર્ગદર્શન કરતી રહેશે.

રાયબરેલીથી ર૦૧૯માં પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે
સોનિયા ગાંધીના નિવૃત્તિના સમાચારો વચ્ચે એવી ચર્ચા વહેતી થઇ છે કે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ર૦૧૯માં પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી લડશે. આ અફવાઓ અને ચર્ચાઓ વચ્ચે પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની નિકટ રહેલા ગયા પ્રસાદે જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં આવવું જોઇએ.

You might also like