રાહુલ ગાંધી હજુ બાળક છે : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં શકુરબસ્તીમાં રેલવે તરફથી અતિક્રમણ દૂર કરવાનામુદ્દે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પણ આમને સામને છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધી પર આંકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે કહ્યું છે કે રાહુલ ગાંધી રાજકારણમાં બાળક સમાન છે. રેલવે મંત્રાલય કેન્દ્ર સરકારના હસ્તક આવે છે તે બાબતથી રાહુલ વાકેફ નથી. રેલવે દિલ્હી સરકારના હસ્તક નથી.

રાહુલ ગાંધીએ એએપી દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ આને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે દિલ્હીમાં એએપી સરકાર છે. છતાં તે વિરોધ કેમ કરી રહી છે. રેલવે દ્વારા શકુરબસ્તીમાં અતિક્રમણ દૂર કરવાની આક્રમક કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ ગઇકાલે વિવાદ થયો હતો. શનિવારના દિવસે ઝુંપડપટ્ટીને દૂર કરાઈ હતી. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫ પહેલા આ વિસ્તાર ખાલી કરી દેવા ત્રીજી નોટિસ આપવામાં આવ્યા બાદ સકુર બસ્તી સ્ટેશન ખાતે ૧૫ દુકાનો પણ દૂર કરવામાં આવી હતી.

દિલ્હી ડિવિઝનલ રેલવે મેનેજર અરુણ અરોડાએ માહિતી આપતા કહ્યું હતું કે, રેલવે જમીન ઉપર ગેરકાયદે નિર્માણને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરતા પહેલા તમામ નિયમો પાળવામાં આવ્યા હતા. ત્રણ નોટિસ આપવામાં આવી હતી. આખરે પોલીસની મદદથી અતિક્રમણો દૂર કરાયા હતા. ટ્રેક નજીક અતિક્રમણને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. કારણ કે, ટ્રેનોના ઓપરેશન માટે આ ગંભીર સમસ્યા બની ચુકી હતી.

બાળકના મોત અને ડિમોલેશન ઝુંબેશ વચ્ચે કોઇ કનેકશન નથી. આ ઝુંબેશ શરૂ કરતા પહેલા બાળકનું મોત થયું હતું. સુરક્ષા કર્મચારીઓની મદદથી આ સમગ્ર ઓપરેશન ચાલ્યું હતું. રેલવે પ્રધાન સુરેશ પ્રભુની મંજૂરી પણ અતિક્રમણ દૂર કરવા માટે લેવામાં આવી હતી. દિલ્હી પોલીસ, આરપીએફ, સીઆરપીએફની હાજરીમાં આ ઓપરેશન ચાલ્યું હતું. હાલમાં રેલવે જમીન પર ૪૭૦૦૦ ઝુંપડપટ્ટી છે જેના કારણે ટ્રેનોની અવરજવરમાં ગંભીર સમસ્યા સર્જાઈ છે.

You might also like