મહાગઠબંધની ડ્રાઈવિંગ સીટ છોડવાની રાહુલની તૈયારી મજબૂરી કે પછી મુત્સદી?

રાજકીય પક્ષોએ ર૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે એવું લાગે છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની સામે રચાનારાં મહાગઠબંધનનું નેતૃત્વ કરવાની અને વડાપ્રધાન બનવાની મહેચ્છાને હાલ પૂરતી બાજુ પર મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે.

કેમકે માયાવતી અને મમતા બેનરજીના પક્ષમાંથી અત્યારથી જ વિરોધના સૂર ઊઠવાના શરૂ થઇ ગયા છે. રાહુલ ગાધી હવે એમ પણ કહી રહ્યા છે કે તેઓ વિપક્ષની બસમાં બેસવા તૈયાર છે અને એ વાતથી તેમને કોઇ ફરક નથી પડતો કે બસની ડ્રાઇવિંગ સીટ પર કોણસંભાળે છે?

થોડા દિવસ પહેલાંની જ વાત છે. કોંગ્રેસ તેમના યુવાન નેતાને ભાવિ વડા પ્રધાન તરીકે રજૂ કરવા તલપાપડ હતી.પણ પ્રાદેશિક પક્ષોએ તેમની યોજના પર ઠંડું પાણી રેડી દીધું. લોકસભામાં રાહુલે જે ભાષણ કર્યું અને વડા પ્રધાન મોદીને ભેટયા તેનો આશય પણ કદાચ પોતાની જાતને ભાજપ વિરોધી મોરચાના ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવાનો હતો તેમ કેટલાક રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

જોકે તે પછી તરત જ મમતા બેનરજીએ એલાન કર્યું હતું કે તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે અને તમામ ૪ર બેઠકો જીતી જશે. કોંગ્રેસની કાર્યકારિણી સમિતિએ જોકે મમતાના આ એલાનને ડ્રામા ગણાવીને સ્પષ્ટ જણાવ્યું કે રાહુલ ગાંધી જ વિપક્ષી મોરચાના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.

જોકે આ મામલે કોંગ્રેસને ફકત એચ.ડી. દેવેગૌડાના જનતા દળ (એસ) તરફથી જ હજુ સમર્થન મળ્યું છે. લોકસભામાં જોકે આ પક્ષની માત્ર એક સીટ છે. તેથી આ સમર્થનનું હાલ કોઇ ખાસ મહત્વ નથી. રાહુલના મિત્ર ગણાતા અખિલેશ અને તેજસ્વી યાદવે પણ તેમની દાવેદારીનું સમર્થન કર્યું નથી. માયાવતીએ પણ ગઠબંધનના મામલે અત્યારથી જ નકારાત્મક સૂર છેડવાના શરૂ કર્યા છે.

બહુજન સમાજવાદી પાર્ટીના નેતાઓએ તો ખુલ્લેઆમ માયાવતીને વડાપ્રધાન બનાવવાની વકીલાત શરૂ કરી દીધી છે. આ બધુ જોયા પછી હવે કોંગ્રેસે પારોઠના પગલાં ભરીને એવું કહેવુ પડયું છે કે મહાગઠબંધનની કોઇ પણ પાર્ટીના નેતા વડાપ્રધાન તરીકે તેમને સ્વીકાર્ય હશે. કોંગ્રેસે અત્યારે વડાપ્રધાનનો મુદ્દો બાજુ પર મૂકીને પહેલાં તો બધા પક્ષોને એક કરવા પર ધ્યાન આપવું જોઇએ.

કેમકે વડા પ્રધાનપદની ખેંચતાણ મહાગઠબંધને નુકસાન પહોંચાડી શકે છે. અત્યારે રાજકીય ગઠબંધન કરવાની ગરજ પ્રાદેશિક પક્ષોને છે તેના કરતા કોંગ્રેસને વધારે છે. કોંગ્રેસ વડાપ્રધાનપદ માટે અત્યારે અકકડ વલણ અપનાવે તો મતદારોમાં પણ એવો મેસેજ જવાની પૂરી શકયતા છે કે રાહુલને કોઇ પણ રીતે સત્તાનું સુકાન સંભાળવું છે. પ્રાદેશિક પક્ષોના પ્રભુત્વવાળા અનેક રાજ્યોમાં કોંગ્રેસની હાલત ઘણી ખરાબ છે.

વિપક્ષી પાર્ટીઓમાં એવા ઘણા નેતાઓ છે જે વડા પ્રધાન બનવા સક્ષમ હોવા ઉપરાંત ઘણા વર્ષોથી તેની મહત્વકાંક્ષા પણ ધરાવે છે. ર૦૧૯માં કોંગ્રેસ સૌથી વધુ બેઠક સાથે વડાપ્રધાનપદનો દાવો કરે તે તર્ક પણ ચાલી શકે તેમ નથી, કેમકે કોંગ્રેસે કર્ણાટકમાં બે ગણી વધુ બેઠક જીત્યા પછી પણ મુખ્યમંત્રી પદ નાની પાર્ટીને સોંપવું પડ્યું હતું.

સક્રિય રાજકારણમાં આટલા વર્ષો વિતાવ્યા પછી રાહુલ ગાંધી પણ એટલું તો સમજતા જ હશે કે માત્ર વધુ બેઠકો હાય તે માત્ર કારણથી સત્તા મળી જતી નથી. ર૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ભાજપ અને મોદીનાં સીધા નિશાન પર ન હતા કેમકે ન તો તેઓ વડા પ્રધાન પદના ઉમેદવાર હતા કે ન તો કોંગ્રેસ પ્રમુખ.

પરંતુ આગામી ચૂંટણીમાં ભાજપ પૂરી તાકાતથી તેમને સીધા ટાર્ગેટ કરશે. ર૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તો પણ કદાચ ર૦૦ બેઠકો સુધી પહોંચે તેવી શકયતા ઘણી ઓછી છે. છેલ્લા રર વર્ષમાં કોંગ્રેસ એક જ વખત લોકસભામાં ૧૪પથી થોડી વધુ બેઠક જીતી શકી છે.

રાજદ જેવા પક્ષો ભલે રાહુલની નેતાગીરીનો સ્વીકાર કરતા હોય પણ તેમને મમતા માયાવતી, ચંદ્રાબાબુ, અખિલેશ, નવીન પટનાયકની સ્વીકૃતિ મળવી જોઇએ. બેનર્જી,માયાવતી,ચંદ્રાબાબુ,અખિલેશ યાદવ,નવીન પટનાયકની સ્વિકૃતી મળવી જોઇએ.

You might also like