રાહુલ ગાંધીનું ઉમેદવારી પત્ર ગેરલાયક ઠરશે? ચુકાદા પર બધાની નજર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અને આ બંને સ્થળોએ તેમના ઉમેદવારી પત્ર પર વિવાદ ઊભો થયો છે. ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર સામે વાંધો ઉઠાવાયા બાદ સ્ક્રૂટિની ટાળવામાં આવી હતી, જે આજે ફરીથી કરવામાં આવશે. જયારે કેરળની વાયનાડ બેઠક પર પણ રાહુલ પાસે બે પાસપોર્ટ હોવાનો આરોપ મૂકતી એક ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ થઇ છે. જેના કારણે રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રને લઇને મોટો વિવાદ છેડાયો છે.

રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર ઊભા થયેલા સવાલોનો જવાબ આપવા રાહુલ ગાંધીના વકીલ કે.સી.કૌશિક જિલ્લા કલેકટર ગૌરીગંજમાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસે પહોંચી ગયા છે. અમેઠીથી ચાર ઉમેદવારોએ રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ બ્રિટનમાં ઇન્કમટેકસ રિટર્ન ભર્યું હતું અને સ્વયં બ્રિટન નાગરિક હોવાનું દર્શાવ્યું હતું.

અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને પિટિશન દાખલ કરનારને ૧૯ એપ્રિલે જણાવ્યું હતું કે તેઓ પોતાની ફરિયાદ કેન્દ્ર સરકારના સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવે અને રજૂઆત કરે. રવિ પ્રકાશે બ્રિટનમાં રજિસ્ટર્ડ એકટ કંપનીના ડોકયુમેન્ટસના આધારે આવો દાવો કર્યો છે. રાહુલ ગાંધીના વકીલ રાહુલ કૌશિકે ફરિયાદમાં જે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તેનો જવાબ આપવા માટે સમય માગ્યો હતો. ત્યાર બાદ ચૂંટણી અધિકારીએ આજે રર એપ્રિલના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ફરિયાદ પર સુનાવણી કરવાનો સમય નક્કી કર્યો હતો.

આમ આજે રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રને લઇને ચૂંટણી અધિકારીઓનો ચુકાદો આવી જશે. આ ઉપરાંત વિવાદ પર અમેઠીની કોર્ટમાં થોડીવાર ફેંસલો આવશે. અદાલત નક્કી કરશે કે રાહુલ ગાંધીનું ઉમેદવારી પત્ર કાયદેસર છે કે નહીં?

વાયનાડ લોકસભાની બેઠક પર પણ રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર સામે ફરિયાદ થઇ છે. વાયનાડના એનડીએના ઉમેદવાર ટી.વેલાપલ્લીએ એવો આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધી પાસે કોઇ પણ બીજા દેશનો પાસપોર્ટ પણ છે, પરંતુ પોતાની એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કર્યો નથી અને તેથી રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રની સ્વીકૃતિની સમીક્ષા કરવામાં આવે. આમ રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર ડબલ એટેક થયો છે. અમેઠીમાં પણ આજે તેમના ડોકયુમેન્ટની ચકાસણી થશે.

You might also like