રાહુુલની તાજપોશીની તૈયારીઓ શરૂઃ આજે કારોબારીમાં મંજૂરીની મહોર

નવી દિલ્હી: રાહુલ ગાંધીના શિરે કોંગ્રેસના અધ્યક્ષ પદની તાજપોશી કયારે થશે તેની જાહેરાત આજે થઇ શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે મહત્ત્વની બેઠક વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનાં વડપણ હેઠળ તેમના ૧૦ જનપથ સ્થિત નિવાસસ્થાને મળી રહી છે. આ બેઠકમાં રાહુલ ગાંધીનેે કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર મંજૂરીની મહોર લાગી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કદાચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂૂર્વે પણ રાહુલ ગાંધીને કોંગ્રેસનું અધ્યક્ષ પદ સોંપવામાં આવી શકે છે. આજે મળી રહેલી કોંગ્રેસની સૌથી વગદાર સમિતિ એટલે કે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં તેની વિધિવત્ જાહેરાત થઇ શકે છે.

આજે મળનારી કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું જારી થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઇસીસી)ના સભ્યો અધ્યક્ષપદ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યો વોટિંગ કરી શકે છે.

જોકે કોંગ્રેસમાં નવા અધ્યક્ષ ચૂંટવા માટે જે ચૂંટણી યોજાનાર છે તે માત્ર ઔપચારિકતા છે. કારણ કે રાહુલ ગાંધી સામે અન્ય કોઇ ઉમેદવાર ઊભા રહે તેવી કોઇ શકયતા નથી. આજે ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થશે જે ૧૦થી ૧પ દિવસનો હોઇ શકે છે. હાલ ૧૯૯૮થી સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષા છે. જ્યારે ૪૭ વર્ષીય રાહુલ ગાંધી ર૦૦૪થી સંસદમાં ઉત્તર પ્રદેશના અમેઠીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૯ ડિસેમ્બર પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની તમામ પ્રક્રિયા સંપન્ન કરી દેવામાં આવશે. કારણ કે ૯ ડિસેમ્બરે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે.

You might also like