કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઇને કર્ણાટકની મુલાકાતે

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એકબાજુ ભાજપ અને કોંગ્રેસ બંને વિધાનસભાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકમાં ચૂંટણી લક્ષી રેલીને સંબોધન કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યાં છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી કર્ણાટકમાં કોંગ્રેસની રાજ્ય સરકારના કામોને લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મંદિરોમાં દર્શન કરી ચૂંટણી પ્રવાસ યોજતા હતા તેવી જ રીતે કર્ણાટકમાં અલગ-અલગ મંદિરોમાં દર્શન કરી મઠના મહંતોના આશીર્વાદ લઇ રહ્યાં છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે કર્ણાટકની મુલાકાતે છે. આગામી 12મી મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રસાર પ્રચાર માટે તેઓ આજે બેંગલુરુ વિસ્તારમાં બે દિવસની યાત્રા કરશે. યાત્રાની શરૂઆત તેઓ મુલ્બાગાલના કુરુદુમલે ગણપતિ મંદિરમાં નમન કર્યા બાદ કરશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાહુલ ગાંધીએ જ્યારે કર્ણાટકની મુલાકાત લીધી ત્યારે મંદિર, મસ્જિદ, ચર્ચની મુલાકાત કરી હતી. બીજી વાર પણ તેઓએ મંદિરની મુલાકત લીધી હતી. જાણે કે રાહુલ ગાંધી હિન્દુ કાર્ડ રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બાદમાં તેઓ કર્ણાટકના વરિષ્ઠ કોંગી નેતાઓ સાથે કોલાર ગોલ્ડ ફિલ્ડ ખાતે સંબોધન કરશે.

રાહુલ ગાંધી રાજ્યની રાજધાનીની મુલાકાત કરી ત્યાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે કોંગ્રેસના પ્રમુખો ચૂંટણી પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો યોજશે અને પેલેસ ગ્રાઉન્ડ ખાતે વિશાળ રેલી યોજશે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે.

You might also like