કોંગ્રેસની સરકાર આવશે તો દિલ્હીથી નહીં, પરંતુ ગુજરાતથી જ ચાલશે

અમદાવાદ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતેના પ્રવાસના બીજા દિવસે આજે સવારે જામનગરના વેપારી મહામંડળ સાથે મુલાકાત કરી હતી. વેપારીઓ સાથે જીએસટી અને નોટબંધી અંગેની ચર્ચા કરી હતી. જામનગરથી રાજકોટ સુધી તેઓએ રોડ શો યોજ્યો હતો, જેમાં તેઓનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે બપોરે રાહુલ ગાંધી રાજકોટ ખાતે પહોંચશે, જ્યાં સર્કિટ હાઉસમાં યુવા કાર્યકરોને સંબોધન કરશે. જામનગર ખાતે પણ તેઓએ યુવા કાર્યકરોને સંબોધન કર્યું હતું.

રાહુલ ગાંધીએ યુવા અને ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાત અને દેશની સરકાર ખેડૂત વિરોધી છે. મોદીજીએ કપાસ અને મગફળીના પોષણક્ષમ ભાવ આપવા માટે વાયદો કર્યો હતો, પરંતુ તેવું શક્ય બન્યું નથી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો તે દિલ્હીથી નહીં, પરંતુ ગુજરાતથી જ ચાલશે. અત્યારે ગુજરાત સરકાર દિલ્હીથી રિમોટ કન્ટ્રોલથી ચાલે છે.

જામનગરમાં વેપારીઓ સાથે વાતચીત કરતાં જીએસટી અંગેના પ્રશ્નોને સાંભળીને તેમણે ઇ-મેઇલ કરવા જણાવ્યું હતું. જામનગરથી રાજકોટ જતાં ગુલાબનગર વિસ્તારમાં બસમાંથી નીચે ઊતરીને સ્થાનિક લોકોને મળ્યા હતા અને અનેક પ્રશ્નોના મામલે ચર્ચા કરી હતી. બપોરે રાજકોટ ખાતે યુવા કાર્યકરો સાથે ‌િમ‌િટંગ કરી અને બૂથ લેવલે કામગીરી કરવા અંગે જાણકારી આપશે.

You might also like