રાહુલે હજરત નિઝામુદ્દીનની દરગાહ પર ઝિયારત કરી

નવી દિલ્હી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે હજરત નિઝામુદ્દીન  ઔલિયાની દરગાહ પર હાજરી આપી હતી. તેમણે ઔલિયાની મજાર પર ચાદર અને ફૂલ ચઢાવીને ઝિયારત કરી હતી અને દુઆઓ માગી હતી. રાહુલ ગાંધી આ દરગાહ પર ઘણો સમય હાજર રહ્યા હતા. દરગાહ પર જતા પહેલા રાહુલ ગાંધી ઉર્સ મહેલમાં પણ ગયા હતા જ્યાં ખ્વાજા સઈદ અહમદ નિઝામીએ દસ્તરબંધી કરાવી હતી. ત્યાર બાદ મોડી રાત્રે કોંગ્રેસ ઉપાધ્યક્ષ દરગાહ પર પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીએ તેની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ૩૦ જાન્યુઆરી સુધી ચાલનારા ૭૧૨માં ઉર્સનો આરંભ બુધવારથી થયો છે, તેમાં ભાગ લેવા માટે પાકિસ્તાન સહિત અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ઉર્સને ધ્યાનમાં રાખીને દરગાહને ખાસ રીતે શણગારવામાં આવી છે. નિઝામુદ્દીન ઔલિયાનો ઉર્સ તકરીર, મુશાયરા અને કવાલીના કાર્યક્રમોથી ગુલઝાર રહે છે.

You might also like