ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લોકોની સરકાર બનીને કામ કરશેઃ રાહુલ

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે વડોદરાના સયાજી હોલ ખાતે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસની સરકાર ચૂંટાઇ આવશે તો ફકત ત્રણ-ચાર ઉદ્યોગપતિઓની સરકાર બનવાને બદલે લોકોની સરકાર બનીને કામ કરશે.

મધ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના આજના ‌બીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મનકી બાત ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં આજે મારા મનની વાત જેવું નહીં હોય, પરંતુ પ્રજા આ સરકારની સીધી ટીકા આલોચના કરી શકશે અને સરકાર પણ તમામ પ્રકારની આલોચનાને હકારાત્મક રીતે સાંભળીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

તેમણે ખાનગીકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આજે લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ઉત્તેજન આપવું જોઇએ. દેશમાં અત્યારે ફકત આઠ દસ ઉદ્યોગો પર જ ફોકસ કરાઇ રહ્યું છે. બેન્કમાં નોન પર્ફોર્મિંગ એસેટ તરીકે જમા સાત લાખ કરોડથી ગુજરાતીઓની જન્મજાત સાહસિકતાને પ્રોત્સાહન મળી શકે છે અને જે બેન્કિંગ સિસ્ટમ ઠપ થઇ છે તેને બદલે રાજ્યના દરેક જિલ્લામાં ઉદ્યોગો વિકસાવી શકાય તેમ છે. અદાણીનો ઓસ્ટ્રેલિયામાં થયેલ વિરોધનો આડકતરો ઉલ્લેખ કરતાં રાહુલે જણાવ્યું હતું કે તેમની સામે છેક ઓસ્ટ્રેલિયામાં વિરોધ થઇ રહ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો ઉલ્લેખ કરતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાર્ટઅપ સ્કીમ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાને શાહ સ્ટાર્ટઅપ તરીકે ઓળખાવીને ફકત છ સાત વર્ષ જૂની કંપની અચાનક જ કેવી રીતે આગળ વધી ધીકતી કમાણી કરતી થઇ ગઇ. તેવો પ્રશ્ન પૂછીને તેમણે મીડિયા જય શાહની કંપનીના સમાચારને યોગ્ય રીતે ઉઠાવતું નથી તે અંગે ખેદ વ્યકત કર્યો હતો.

રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીથી દેશની આર્થિક વ્યવસ્થાની કમર તૂટી ગઇ હોવાનો ઉલ્લેખ કરતાં તત્કાલીન યુપીએ સરકારને જીડીપીના મામલે હાલની એનડીએ સરકાર કરતાં બહેતર ગણાવી હતી. યુપીએ સરકારની નીતિ રીતિમાં ખેડૂતો, શ્રમિકો સહિતના તમામ વર્ગોનો સમાવેશ કરાતો હતો. અા કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અેહમદ પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ વગેરે અગ્રણીઓ હાજર હતા.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ બાદ રાહુલ ગાંધીએ વડોદરાના ભાયલી અને પાદરા ખાતે લોકોને સંબોધ્યા હતા. બાદમાં કરજણમાં કોર્નર મિટિંગ કરવા રવાના થયા હતા. આજે બપોરે ડભોઇ ખાતે આશા અને આંગણવાડી વર્કરોની સમસ્યાથી વાકેફ થઇ તેઓ અહીંના એપીએમસી માર્કેટની મુલાકાત લેશે. ત્યારબાદ પાનસોલી ખાતે નર્મદા વિસ્થાપિતોને મળીને બોડેલીમાં જન સંબોધન કરી છોટા ઉદેપુર સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.

આવતી કાલે સવારે તેઓ છોટા ઉદેપુરના દરબાર હોલમાં આદિવાસી યુવકોને મળીને દાહોદના લીમખેડમાં આદિવાસી અધિકાર અંગે કોર્નર મિટિંગ કરશે. ત્યારબાદ સાલિયાના કબીર મંદિરમાં બપોરે બે વાગ્યે દર્શન કરીને ગોધરામાં રોડ શો કરશે. ગોધરામાં રોડ શો કર્યા બાદ સાંજે પાંચ વાગ્યે ખેડા ફાગવેલના ભાથીજી મહારાજનાં મંદિરે પૂજા દર્શન કરીને તેઓ અમદાવાદ પરત ફરીને અમદાવાદથી વિમાન માર્ગે દિલ્હી જવા રવાના થશે.

You might also like