આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહેવા પર રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ

(એજન્સી) નવી દિલ્હી: આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહેવાના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આ મામલે દેશદ્રોહ સહિત આઈપીસીની અન્ય કેટલીક કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા સહિતના અનેક આતંકી હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન ‘મસૂદ અઝહરજી’નું સંબોધન કર્યું હતું.

મુઝફ્ફરપુરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીની કોર્ટમાં સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ આઈપીસીની અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે, તેમાં ૧ર૪-એ (દેશદ્રોહ), ૧પ૩ (ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરેના આધારે વિભિન્ન સમૂહ વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું) અને ર૯પ (કોઈ પણ વર્ગ કે ધર્મનું અપમાન કરવું) સામેલ છે. આ કેસમાં કોર્ટ આગામી ૧૬ માર્ચના રોજ સુનાવણી હાથ ધરશે.

તમન્ના હાશ્મીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદ અઝહર માટે સન્માનજનક ‘જી’ શબ્દનો ઉપયોગ કરીને ફક્ત લોકોની ભાવનાઓને આઘાત નથી પહોંચાડ્યો પણ આખા દેશનું અપમાન કર્યું છે.

આ ઉપરાંત લખનૌના કેસરબાગ પોલીસ સ્ટેશનમાં એડ્વોકેટ અરવિંદે રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી આપી છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ દેશની જનતાની ભાવનાઓ પર કુઠારાઘાત કર્યો છે. આ કેસમાં પ્રભારી નિરીક્ષક અજયકુમાર સિંહને તપાસ સોંપવામાં આવી છે.

You might also like