તિરંગાને સલામી આપવાનું સંઘે સત્તામાં આવ્યા બાદ શીખ્યું: રાહુલ

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં કહ્યું તેમના કોઇ મોટા નેતાઓએ બ્રિટિશ સરકાર સામેની લડાઇમાં ભાગ લીધો નથી. તેમના એક નેતાએ બ્રિટિશ સરકાર ને જેલમાંથી છોડવા પત્ર લખીને જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ વિશેષમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં સરકારનું ગઠન થયું તે પહેલા 2 કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતુ, પરંત હજી સુધી આ વચન પુરૂ કર્યું નથી.

રાહુલ ગાંધીએ સંઘ પર નિશાન તાકતા કહ્યું કે સંઘના લોકો સત્તામાં આવ્યા બાદ તિરંગાને નમન કરવાનું શીખ્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે સંઘના લોકો જાણે છે કે તેઓ ચૂંટણી જીતી શકે તેમ નથી એટલે દરેક જગ્યા પર તેમના લોકોને બેસાડી રહ્યાં છે. આપણે લોકોએ એક મજબૂત સંગઠન બનાવી સંઘ સામે લડાઇ કરવી પડશે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વાર કરતાં કહ્યું કે પીએમએ દેશને 15-20 ધનવાનોના હાથમાં આપી દીધો છે. આ લોકો દેશને ચલાવી રહ્યાં છે.

પૂર્વ જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારથી નારાજ થઇને ગુરૂવારે દિલ્હીમાં વિપક્ષી નેતાઓનું સંમેલન બોલાવ્યું હતું. આ સંમેલનને ‘સાઝી વિરાસત બચાવો’ નામ આપવામાં આવ્યું હતુ. સંમેલનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, સીતારામ યેચુરી, ગુલામ નબી આઝાદ, ફારૂક અબ્દુલ્લા સહિત વિપક્ષના ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યાં. સંમેલનની શરૂઆતમાં શરદ યાદવે કહ્યું કે દેશભરમાં ખેડૂતો અને દલિતો સાથે અત્યાચાર થઇ રહ્યો છે. શરદ યાદવે કહ્યું મે કોઇને બોલાવ્યા નથી પણ હજારો લોકો મારી સાથે જોડાયા છે.

You might also like