રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે પહોંચ્યા, આરતી પણ ઉતારી

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ પ્રચારમાં કોઈ કસર રાખવા માગતી નથી. બીજા તબક્કાના પ્રચાર માટે આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે.

બીજા તબક્કાનું મતદાન અમદાવાદમાં 14 ડિસેમ્બરે થશે. ત્યારે હવે ફરી એક વખત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદના પ્રવાસે છે અને કોંગ્રેસનો પ્રચાર કરવાના પૂરા મૂડમાં છે.

પ્રચાર અર્થે રાહુલ ગાંધી 10.15 વાગ્યે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના દર્શને પહોંચ્યા હતા. તેમની સાથે ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. ભરતસિંહ સોલંકી અને રાહુલ ગાંધીએ એકસાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. રાહુલ ગાંધીએ પૂજા કરી ત્યાર બાદ મંદિરમાં તેમનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગ્યા છે, ત્યારથી જ રાહુલ ગાંધી ગુજરાતના અનેક મંદિરોની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે સોમનાથ મહાદેવના મંદિરની, અંબાજી મંદિરની પણ મુલાકાત લીધી છે. જો કે આ બાબતે તેમની ઘણી ટીકા પણ થઈ છે.

You might also like