મોદી 3-4 ડિસેમ્બર અને રાહુલ 5-7 ડિસેમ્બરે ફરીથી ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ છે, એવામાં વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી આગામી 3 અને 4 ડિસેમ્બરના ગુજરાત આવશે અને પ્રથમ તબક્કાની બેઠકો પર ચૂંટણી પ્રચાર કરશે.

3 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સભાઓ કરશે. જ્યારે 4 ડિસેમ્બરે ચાર જિલ્લાઓમાં પ્રધાનમંત્રી જાહેરસભાઓને સંબોધિત કરવાના છે. જેમાં ધરમપુર, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રધાનમંત્રીની સભાઓ હશે.

ઉલ્લેખનીય છે કે, આગામી 9મી ડિસેમ્બરને રાજયમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેના માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં
એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીથી લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે.

રાહુલ ગાંધી 5 થી 7 ડિસેમ્બરના રોજ ફરીથી ગુજરાત આવશે
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી આગામી 5 થી 7 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી કચ્છ જિલ્લાની બેઠકો પર ચૂંટણી પ્રચાર કરશે.

તેઓ પણ પ્રથમ તબક્કાની બાકી રહેલી બેઠકો પર પણ ચૂંટણી પ્રચાર કરવાના છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનો આ 7મો ગુજરાત પ્રવાસ હશે. આ પહેલા પણ રાહુલ ગાંધીને ગુજરાતમાં ભારે જનપ્રતિસાદ મળ્યો છે. રાહુલ ગાંધીની સભામાં લોકો ભારે સંખ્યામાં જોવા મળી રહ્યા છે. એવામાં હવે કચ્છની ધરતી પર રાહુલ ગાંધીનો જલવો કેવો રહેશે તે આગામી જોવા મળશે.

You might also like