ફૂડપાર્ક બાદ અમેઠીમાં પેપર મિલ સ્થાપવાનો પ્રસ્તાવ પડતો મુકાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના મત વિસ્તાર અમેઠીમાંથી અગાઉ ફૂડ પાર્કની યોજના પરત ખેંચાયા બાદ હવે આ વિસ્તારમાં સ્થપાનારી પેપર મિલનો પ્રસ્તાવ પડતો મૂકી આ મિલ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં બનાવવા હિલચાલ ચાલી રહી છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં ૩,૬૫૦ કરોડના ખર્ચે અેક પેપર મિલ સ્થાપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જે અંગે ટૂંક સમયમાં કેબિનેટમાં નિર્ણય થઈ શકે છે. આ અંગે કેબિનેટ પ્રધાન અનંત ગીતેઅે જણાવ્યું કે ભારે ઉદ્યોગ વિભાગે આ બાબતે નાણાં મંત્રાલયને લેખિતમાં જાણ કરી છે. આ બાબતે કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યા પહેલા અન્ય મંત્રાલયની સલાહ લેવામાં આવશે.

અગાઉ આ પેપર મિલ રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તાર અમેઠીમાં શરૂ કરવાનો પ્રસ્તાવ હતો. અમેઠીમાં આ મિલ બનાવવા માટે જગદીશપુરની પસંદગી કરવામાં આવી હતી પરંતુ અનંત ગીતેની માગણી બાદ હવે આ પેપર મિલ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં બનાવવા પ્રસ્તાવ થયો છે.

આ અંગે અેવું માનવામાં આવે છે કે આ યોજનાથી ૯૦૦ લોકોને રાેજગારી મળી રહેશે. પેપર મિલ પહેલાં સરકારે જગદીશપુરમાં અેક મેગા ફૂડ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો હતો. ત્યારે રાહુલ ગાંધીઅે લોકસભામાં ફૂડ પાર્કનો મુદો પણ ઉઠાવ્યો હતો. અને મોદી સરકાર પર રાજકીય બદલાની ભાવનાથી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુપીઅે સરકારના શાસનમાં અમેઠીમાં અનેક યોજના શરૂ કરવાની જાહેરાત થઈ હતી પરંતુ તેમાંથી મોટાભાગની યોજના હજુ શરૂ થઈ શકી નથી.

You might also like