શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને ‘ઉભરતો સિતારો’ ગણાવ્યા

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના થયેલા કારમા પરાજયને પગલે સંખ્યાબંધ ટ્વિટ કરીને પક્ષના મોવડીમંડળ પર કટાક્ષનો મારો ચલાવી રહેલા પક્ષના નેતા શત્રુઘ્ન સિંહાએ ચૂંટણીમાં પોતાની અવગણના કરવા બદલ ટ્વિટનો મારો નીતીશકુમારે શપથ લીધાં તેના થોડા કલાકો અગાઉ પણ ચાલુ રાખ્યો હતો.  અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહાએ નવા ટ્વિટમાં જણાવ્યું હતું,’આ લોકશાહીનો વિજય હતો. નીતીશબાબુ, લાલુજી અને ઉભરતા સિતારા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની નવી સરકારને ભવ્ય સફળતાની શુભેચ્છા પાઠવું છું.’

તેના થોડા કલાકો અગાઉ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરીને મોદીના સત્તાવાર શત્રુ તરીકે પોતાની સ્થિતી સ્પષ્ટ કરી દીધી હતી.ગઈ ૮મી નવેમ્બરે બિહાર ચૂંટણીના પરિણામો આવવાના શરૃ થયા બાદ ભાજપ પર સાંસદ શત્રુઘ્નના શરૃ થયેલા કટાક્ષોમાં તેમણે હવે રાહુલને ‘ઉભરતો સિતારો’ ગણાવીને નવો મોરચો ખોલ્યો છે.

નવા ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું,’ હું વિકાસના મસીહા નીતીશ ‘સુશાસન’ બાબુને બિહારના મુખ્યમંત્રી તરીકે આવકારું છું અને બિહારમાં પ્રચંડ વિજય માટે સમૂહોના નેતા લાલુજીને અભિનંદન પાઠવું છું.’ તેમણે ઉમેર્યું હતું કે તેમને પટણાના ગાંધી મેદાન ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં આવવાની ખૂબ ઈચ્છા છે, પરંતુ પોતે હાજર રહી શકશે નહીં.

શત્રુઘ્ને ટ્વિટ કર્યું હતું, ‘ હું સમારોહ ચૂકી જઈશ, પરંતુ નીતીશબાબુ અને લાલુજી, હું તમારો શુભેચ્છક, પ્રશંસક અને મિત્ર રહીશ અને યાદ રાખજો કે એક વખત મિત્ર તે કાયમનો મિત્ર રહેશે.’ ટ્વિટ પૂરી કરતાં તે પક્ષને સંબોધવાનું ચૂક્યા નહોતા. બીજા ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું,’ નીતીશબાબુના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે મારા મિત્ર શ્રી વેંકૈયા નાયડુ અને અન્ય નાના નેતાઓને નીમવા માટે કેન્દ્ર સરકારના પ્રતિભાવની હું પ્રશંસા કરું છું.

You might also like