રાહુલ ગાંધી ‘બાબર ભક્ત’, ‘ખિલજીના સંબંધી’ છેઃ જીવીએલ નરસિંહરાવ

નવી દિલ્હી: ગુજરાત ચૂંટણીને લઈને રામ મંદિરનો મુદ્દો ફરી એક વખત દેશના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. આ મુદ્દે નેતાઓની નિવેદનબાજી સતત જારી છે. ભાજપના નેતા જીવીએલ નરસિંહારાવે આજે સવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા અને રાહુલ ગાંધીને ‘બાબર ભક્ત’ અને ‘ખિલજીના સંબંધી’ તરીકે ગણાવ્યા હતા.

જીવીએલ નરસિંહારાવે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરનાર ઔવેસી સાથે રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા છે. રાહુલ ગાંધી ચોક્કસપણે ‘બાબર ભક્ત’ અને ‘ખિલજીના સંબંધી’ છે. બાબરે રામ મંદિરનો નાશ કર્યો હતો અને ખિલજીએ સોમનાથ લૂંટ્યું હતું. નહેરુ વંશ આ બંને ઈસ્લામી આક્રમણખોરની તરફેણમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ૮ ફેબ્રુઆરી સુધી પાછી ઠેલાઈ છે. સુન્ની વકફ બોર્ડના વકીલ અને કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સુનાવણી ૨૦૧૯ સુધી ટાળવામાં આવે અને ત્યાર બાદ આ મુદ્દાને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહારો ચાલુ કરી દીધા છે. આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ રાહુલ ગાંધી સામે સવાલ તાંક્યો હતો.

તેમણે પૂછ્યું હતું કે રામ મંદિરને લઈને તમારા પક્ષ અને તમારું વલણ શું છે? રામ મંદિર મુદ્દે પત્રકાર પરિષદ યોજીને અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ ઈચ્છે છે કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જલદી સુનાવણી થાય અને ચુકાદો આવે કે જેથી અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની શકે કે જે દેશની આસ્થા સાથે સંકળાયેલ છે.

You might also like