હોકી ટીમને મળવા પહોંચ્યો દ્રવિડ, હૉકી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે

તૌરંગા (ન્યૂઝીલેન્ડ)
ભારતીય અંડર-૧૯ ટીમનાે કોચ રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડમાં ભારતીય હોકી ટીમને મળવા પહોંચી ગયો હતો. મહાન ક્રિકેટર દ્રવિડને જોઈને હોકી ટીમના ખેલાડીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમ અહીં વિશ્વકપ રમવા માટે આવી છે.

ભારતીય હોકી ટીમ ચાર દેશની ટૂર્નામેન્ટ રમવા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને આજે પ્રથમ મેચમાં જાપાન સામે મેદાનમાં ઊતરી છે. અહીંથી માઉન્ટ માંગાનુડ બહુ દૂર નથી, જ્યાં અંડર-૧૯ ક્રિકેટ ટીમ હાલ હાજર છે.

ભારતીય હોકી ટીમમાં વાપસી કરનારા ભૂતપૂર્વ કેપ્ટન અને ગોલકીપર પી. આર. શ્રીજેશે ટ્વિટર પર દ્રવિડ સાથે તસવીર શેર કરી છે. તસવીરમાં રાહુલ હોકી ટીમ સાથે નજરે પડી રહ્યો છે. શ્રીજેશે લખ્યું છે, ”મહાન ક્રિકેટરને મળીને અમારા ઉત્સાહમાં વધારો થયો. તેઓ એટલા વિનમ્ર છે કે હોકી ટીમનું મનોબળ વધારવા અહીં સુધી આવ્યા. આભાર, રાહુલભાઈ.”

You might also like