વેસ્ટ ઇન્ડિઝ સામેની અભ્યાસમેચમાં ભારતીય બેટસમેનો ઝળકયાં

નવી દિલ્હી : ટીમ ઇન્ડીયાની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની શરૂઆત સારી થઇ છે. સેન્ટ કિટ્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામેની અભ્યાસ મેચમાં ટીમ ઇન્ડીયાના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. આ બે દિવસની અભ્યાસ મેચમાં બંને ટીમ 12-12 ખેલાડીઓને તક આપી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ અભ્યાસ મેચમાં મુરલી વિજય, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને સ્ટૂઅર્ટ બિન્ની અને શાર્દૂલ ઠાકૂરને આરામ આપવામાં આવ્યો હતો. ભારતીય ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. લંચ સુધીમાં ભારતની ટીમે 28 ઓવરમાં વિના વિકેટે 93 રન બનાવ્યા હતા. લંચ બાદ શિખર ધવને બેટિંગ કરવા ન આવતા 51 રનના સ્કોર પર રિટાયર થઇ ગયો હતો. લંચ બાદ લોકેશ રાહુલ સાથે ચેતેશ્વર પુજારા બેટિંગ કરવા આવ્યો હતો. રાહુલે 90 બોલમાં 50 રન પૂરા કર્યા હતા ત્યારબાદ તે પણ રિટાયર થઇ ગયો હતો.

વિરાટ કોહલી ફકત 14 રન બનાવી આઉટ થઇ ગયો હતો. જ્યારે રહાણે 5 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા 102 બોલ રમી 34 રન બનાવી રિટાયર થઇ ગયો. ત્યારબાદ આવેલ રોહિત શર્મા અને રિધ્ધીમાન સાહાએ થોડા આકર્ષક શોટ ફટકાર્યા હતા. સાહા 22 રન બનાવી આઉટ થયો. જ્યારે રોહિત શર્મા 54 તેમજ અમિત મિશ્રા 18 રન બનાવી અણનમ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામેની બે દિવસીય અભ્યાસ મેચના પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટે 258 રન બનાવ્યા હતા. જેમાં શિખર ધવન, કે. એલ. રાહુલ અને રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી.

You might also like