રાહુલની જનસભાની તૈયારીની સમીક્ષા માટે અહેમદ પટેલ મહેસાણા પહોંચ્યા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ગઈ કાલે મોડી સાંજે અમદાવદ આવી પહોંચ્યા હતા. તેઓ બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધીની મહેસાણામાં યોજાનારી જંગી જનસભાની તૈયારીની સમીક્ષા કરવા આજે સવારે મહેસાણા જવા રવાના થયા છે. કેન્દ્ર સરકારના નોટબંધીના એલાન બાદ ગુજરાતના પ્રવાસે પ્રથમવાર આવતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બુધવારે બપોરે બે વાગ્યે મહેસાણાના રાધનપુર રોડ પર યોજાનારી જંગી જનસભાની તડામાર તૈયારીમાં કોંગ્રેસની તમામ ચૂંટાયેલી પાંખ, હોદ્દેદારો, કાર્યકરો લાગી ગયા છે.

રાહુલ ગાંધીની જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઊમટે તેવા આશયથી સભા સ્થળથી સો કિ.મી. સુધીના વિસ્તારના કોંગ્રેસના આગેવાનોએ બેઠકોનો દોર આરંભ્યો છે. ખુદ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ આ આગેવાનોનો ઉત્સાહ વધારવા ગુજરાત આવ્યા છે. અહેમદ પટેલ ગઈ કાલે મોડી સાંજે અમદાવાદ આવ્યા હતા અને આજે સવારે મહેસાણા જવા રવાના થયા છે. મહેસાણાના પક્ષના આગેવાનો સાથે તેઓ જનસભા સ્થળે તૈયારીની સમીક્ષા કરશે. અહેમદ પટેલનું આગામી ૨૬ ડિસેમ્બર સુધી ગુજરાતમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન રાહુલ ગાંધી મહેસાણાની જનસભાની પહેલા ઊંઝા જઈને ઉમિયા માતાના દર્શન કરે તેવી શક્યતા છે આ ઉપરાંત તેઓ જનસભા પહેલા કે પછી અમદાવાદ આવે તેવી પણ સંભાવના છે.

home

 

You might also like