ફરીથી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર બનવાની મારી ઈચ્છા છેઃ રઘુરામ રાજન

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોટબંધીને લઇને એક રસપ્રદ નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેમને સરકારના નોટબંધીના નિર્ણય અંગે કોઇ જાણકારી ન હતી અને આજ કારણસર તેમને પણ નોટો બદલવા માટે જાતે અમેરિકાથી ભારત આવવું પડયું હતું. રઘુરામ રાજને એમ પણ જણાવ્યું હતું કે મને ફરીથી આરબીઆઇના ગવર્નર બનવાની ઇચ્છા છે.

પોતાના પુસ્તકના સંદર્ભમાં આયોજિત એક સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કયારેય નોટબંધીની તરફેણમાં ન હતા, કારણ કે તેમનું એવું માનવું હતું કે નોટબંધીનો તત્કાળ ખર્ચ દુરોગામી પર ભારે પડે છે. તેમણે એટલી હદે જણાવ્યું હતું કે જો મારા કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હોત તો હું રાજીનામું આપી દેત.

સરકાર તાજેતરમાં નાની સરકારી બેન્કોનો મોટી બેન્કોમાં વિલય પર કામ કરી રહી છે, પરંતુ રઘુરામ રાજનનું માનવું છે કે મોટી બેન્કો જ સારી સર્વિસ આપી શકે તેમ હું માનતો નથી. પોતાના પુસ્તક ‘આઇ ડુ વોટ આઇ ડુ’ના લોન્ચિંગ પર રઘુરામ રાજને જણાવ્યું હતું કે જીડીપીની વૃદ્ધિને બળવત્તર બનાવવા ભારતે ત્રણ મુખ્ય ક્ષેત્રો-પાયાગત માળખું, વીજળી અને નિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે માત્ર મેક ઇન ઇન્ડિયા નહીં, પરંતુ મેક ફોર ઇન્ડિયા પણ હોવું જોઇએ. રૂ.ર,૦૦૦ની નોટ સરકાર ફરીથી બંધ કરશે? એમ પૂછતાં રઘુરામ રાજને જણાવ્યું હતું કે સતત નોટબંધી યોગ્ય નથી. તેનાથી પ્રજા દ્વિધામાં રહેશે કે તેમણે પોતાની પાસે કઇ નોટ રાખવી જોઇએ.

રઘુરામ રાજને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નોટબંધીના કારણે જીડીપીમાં એકાદ-બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આરબીઆઇને નોટબંધીનો ભાર વહન કરવો પડ્યો છે. નવી નોટો પ્રિન્ટ કરવાનો બોજ આ યોજનાઓના ફાયદા પર ભારે પડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આરબીઆઇ પાસે નોટ પ્રિન્ટ કરવાનો અધિકાર એટલા માટે છે, કારણ કે જો સરકાર સ્વયં નોટો પ્રિન્ટ કરવાનું શરૂ કરશે તો ભારતની હાલત ઝિમ્બાબ્વે જેવી બની જશે. આ જ કારણસર આરબીઆઇ જેવી એક સ્વતંત્ર સંસ્થાની જરૂર છે.

સરકારે ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો છે. આ વાયદો ખરેખર સફળ થશે કે કેમ? તે અંગે પૂછતાં રઘુરામ રાજને જણાવ્યું હતું કે ખેતીમાં આવક વધારવાની અનેક તક છે. આ માટે આપણે ટેક્નોલોજી આધારિત કૃષિ પદ્ધતિ અપનાવવી પડશે. તેના કારણે ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન શક્ય બને છે. વચેટિયાઓનું માર્જિન પણ ઘટાડવું પડશે.

યોજના આયોગ નાબૂદ કર્યા બાદ નાણાં મંત્રાલયનું ધ્યાન ફાળવણી અને ખર્ચ પર વધુ કે‌િન્દ્રત છે અને આવક વધારવાના પ્રયાસો ઘટી રહ્યા છે તે અંગે ટિપ્પણી કરવાનું કહેતાં રઘુરામ રાજને જણાવ્યું હતું કે મારી પાસે તેના કોઇ વિશ્વસનીય ડેટા નથી, પરંતુ નોટબંધી અને જીએસટીસીથી ભવિષ્યમાં કરદાતાઓ અને કરની રકમ બંનેમાં વધારો થશે.

You might also like