એન્ડરસનને હરાવી નડાલે US ઓપનનો ખિતાબ જીત્યો

ન્યૂયોર્કઃ સ્પેનનાે રાફેલ નડાલ વર્ષ ૨૦૧૭નો યુએસ ઓપન ચેમ્પિયન બની ગયો છે. દુનિયાના નંબર વન ખેલાડી નડાલે ગઈ કાલે રમાયેલી યુએસ ઓપનની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને સીધા સેટોમાં ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવીને વિજેતા બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. એવું ત્રીજી વાર બન્યું છે, જ્યારે નડાલે યુએસ ઓપનનો સિંગલ ખિતાબ જીત્યો છે. આ તેનો કુલ ૧૬મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે. નડાલ આ અગાઉ વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૩માં પણ યુએસ ઓપન ચેમ્પિયન બની ચૂક્યો છે. આ વર્ષે ફ્રેંચ ઓપન બાદ તેનો આ બીજો ગ્રાન્ડસ્લેમ ખિતાબ છે.

આ ખિતાબી જીત બાદ નડાલ હવે ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલામાં પોતાના હરીફ સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરથી ત્રણ ખિતાબ જ પાછળ છે. ફેડરરે કુલ ૧૯ ખિતાબ જીત્યા છે. નડાલને આ જીત બદલ ટ્રોફીની સાથે ૩.૭ મિલિયન યુએસ ડોલર (લગભગ ૨૪ કરોડ રૂપિયા)ની રકમ મળી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન માટે ખિતાબી મુકાબલો નિરાશાથી ભરપૂર રહ્યો હતો. દુનિયામાં ૩૨મા નંબરનાે એન્ડરસન ૩૪ પ્રયાસો બાદ કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો.

વર્ષ ૧૯૬૫માં ક્લિફ ડાઇડેલ બાદ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનારો એન્ડરસન દક્ષિણ આફ્રિકાનો પ્રથમ ખેલાડી હતો. તેની પાસે ૧૯૮૧ના જોહાન કિરેક બાદ દક્ષિણ આફ્રિકાના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બનવાની તક હતી, પરંતુ તે ચૂકી ગયો. જોહાનિસબર્ગમાં જન્મેલો એન્ડરસન હાલ અમેરિકાના ફ્લોરિડામાં રહે છે. મેચમાં તે અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શક્યો નહોતો.

સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનારા ખેલાડી
• રોજર ફેડરર (સ્વિટ્ઝર્લેન્ડ) ૧૯ (ઓસ્ટ્રેલિયન ઓપન-૫, ફ્રેંચ ઓપન-૧, વિમ્બલ્ડન-૮, યુએસ ઓપન-૫)
• રાફેલ નડાલ (સ્પેન) ૧૬ (ઓસ્ટ્રેલિયન ઓપન-૧, ફ્રેંચ ઓપન-૧૦, વિમ્બલ્ડન-૨, યુએસ ઓપન-૩)
• પીટ સામ્પ્રસ (અમેરિકા) ૧૪ (ઓસ્ટ્રેલિયન ઓપન-૨, ફ્રેંચ ઓપન-૦, વિમ્બલ્ડન-૭, યુએસ ઓપન-૫)
• નોવાક જોકોવિચ (સર્બિયા) ૧૨ (ઓસ્ટ્રેલિયન ઓપન-૬, ફ્રેંચ ઓપન-૧, વિમ્બલ્ડન-૩, યુએસ ઓપન-૨)
• સૌથી વધુ ખિતાબ જીતવાના મામલે નડાલ હવે ફેડરરથી ત્રણ ખિતાબ જ પાછળ છે
• ફાઇનલ મુકાબલામાં નડાલે દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસનને ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવ્યો
• વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૩ બાદ નડાલનો આ ત્રીજો યુએસ ઓપન ખિતાબ

You might also like