રાફેલ ડીલના રાજકીય વિવાદમાં દેશની સુરક્ષાના મહત્વના મુદ્દે આંખમિચામણાં

ફ્રાન્સથી ખરીદાયેલાં રાફેલ ફાઇટર જેટ વિમાનનો હાલ રાજકીય વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ વિવાદની આડમાં એરફોર્સમાં ફાઇટર વિમાનોની જે ઘટ છે તેની સામે આંખમિચામણાં થઇ રહ્યાં છે. એરફોર્સ પાસે વિમાનોની ૪૦ સ્કવોડ્રન હોવી જોઇએ, જોકે યુદ્ધના સમયે ૪ર સ્કવોડ્રનની જરૂરિયાત હોય છે.

અત્યારે એરફોર્સ પાસે ૩૧ સ્કવોડ્રન છે એટલે કે ૯ની ઘટ છે. મિગ શ્રેણીનાં વિમાનો ધરાવતી ૧૪ સ્કવોડ્રનને ર૦૧પથી ર૦ર૪ દરમિયાન તબક્કાવાર રિટાયર કરવાનું નક્કી છે. બીજી બાજુ તેજસ વિમાનોની ૪.પ સ્કવોડ્રન ર૦ર૮ સુધીમાં એરફોર્સમાં સામેલ કરાશે. આ ઉપરાંત એસયુ-૩૦ એમકેઆઇની અઢી સ્કવોડ્રન સામેલ થશે. તે પછી પણ ર૦૦ વિમાનોની ઘટ રહેશે. એરફોર્સના નિષ્ણાતોની ચિંતા વિમાનોને સામેલ કરવાની પ્રક્રિયા અને તેમાં થતા વિલંબ સામે છે. સરકારે ફ્રાન્સ સાથે વિમાનોનો સોદો કર્યો છે અને એ પણ ખૂબ મોટી કિંમત ચૂકવીને.

કેન્દ્રીય પ્રધાનમંડળે ૮.૮ અબજ ડોલરની રાફેલ ડીલને ઓગસ્ટ- ર૦૧૬માં મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે તેના ૧૬ મહિના પહેલાં વડા પ્રધાને ફાઇટર જેટ ખરીદવાની જાહેરાત કરી હતી. ર૦૧પમાં જ્યારે વડા પ્રધાન ફ્રાન્સના પ્રવાસે ગયા ત્યારે તેમણે ઓછાં વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો તેમજ વિમાન અંગે બંને દેશો વચ્ચે આંતરિક સમજૂતી કરવામાં આવી હતી.

વડા પ્રધાનને આ નિર્ણય લેવાનો અધિકાર પણ છે, જોકે ડીલની ટીકા કરતા લોકો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે સરકારની પ્રક્રિયા મુજબ આવી કોઇ ભલામણ કરવા માટે સમિતિ છે. સમિતિના અભિપ્રાય વિના વડા પ્રધાન આવો નિર્ણય કરે તે કેટલા અંશે યોગ્ય છે? વળી, આ પ્રક્રિયામાં જે સમય વેડફાયો તેનો પણ વિચાર કરવો જોઇએ.

મીડિયાના અહેવાલો મુજબ વિમાન ઝડપથી મળે તે માટે આવો નિર્ણય લેવાયો હતો. તેમ છતાં સપ્ટેમ્બર-ર૦૧૯થી વિમાન મળવાની શરૂઆત થશે અને એપ્રિલ-ર૦રર સુધી બધાં વિમાનની ડિલિવરી થઇ જશે. દરમિયાન એરફોર્સની મુશ્કેલીઓ પણ યથાવત્ છે.

દરમિયાન એપ્રિલ-ર૦૧૮માં સરકારે સુખોઇ-એચએએલના નિર્માણની ભાગીદારીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે પણ તે પહેલાં ભારતના ર૯.૩૦ કરોડ ડોલર અને કીમતી ૧૧ વર્ષ વેડફાઇ ગયાં છે. તેનો આશય ભારતીય ઇજનેરોને ઉચ્ચ ટેક્નોલોજીથી માહેર બનાવવાનો હતો.

બીજી મહત્ત્વની વાત એ પણ છે કે તેનાથી એરફોર્સમાં ૧ર૭ વિમાનનો ઉમેરો થઇ શક્યો હોત. એપ્રિલ-ર૦૧૮માં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં એવી જાણકારી આપી હતી કે ભારત ઉચ્ચ અને મધ્યમ કક્ષાનાં ‌િસ્ટલ્થ ટેકનોલોજીથી સજ્જ વિમાન બનાવવાની યોજના છે.

આ માટેની જરૂરી તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરતી ડીઆરડીઓ અને તેની નીચે કામ કરતી એજન્સી એરોનોટિકલ ડેવલપમેન્ટે તેના પર કામ પણ શરૂ કરી દીધું છે. આ એજન્સીએ ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જે મુજબ ખાનગી સંસ્થાએ શરૂઆતમાં બે વિમાન બનાવવા ઉપરાંત એસેમ્બલિંગની સુવિધા પણ ઊભી કરવી પડશે. આ એક નવી પહેલ હતી.

જે અંતર્ગત વિમાન ઉત્પાદનના વિવિધ તબક્કા, જેમ કે વિમાનની ડિઝાઇન, નિર્માણ તથા એસેમ્બલિંગની કામગીરીનો સમાવેશ થાય છે. આ મેક ઇન ઇન્ડિયાની પહેલના ભાગરૂપે થવાનું હતું, જોકે અત્યારે તેમાં કોઇ ખાસ પ્રગતિ થઇ નથી. તે શક્ય બને તો પણ આ યોજના હેઠળ સ્વદેશી ફાઇટર જેટ બનતાં ર૦૩૦નું વર્ષ આવી જશે.

અત્યારે એરફોર્સને ર૦૦૭માં ગ્રાઉન્ડ કરી દેવાયેલાં એટલે કે રિટાયર કરાયેલાં જગુઆર વિમાનોની સેવા ફરી લેવાની ફરજ પડી છે અને તે ઘણું ખર્ચાળ અને જોખમી છે, જોકે એરફોર્સની આ હાલત માટે કોંગ્રેસના નેજા હેઠળની યુપીએ-૧ અને યુપીએ-રની સરકાર પણ એટલી જ જવાબદાર છે.

૧૦ વર્ષમાં મનમોહનસિંહની સરકારે એરફોર્સની ફાઇટર જેટ સહિતની જરૂરિયાત પૂરી કરવાની દિશામાં કોઇ કામગીરી કરી ન હતી. રાફેલ વિમાનની ડીલ માટે મનમોહનસિંહની સરકારે પ્રાથમિક વાટાઘાટ ફ્રાન્સ સરકાર સાથે શરૂ કરી હતી, જોકે તેમાં પછી કોઇ પ્રગતિ થઇ શકી ન હતી.

વાત ફાઇટર જેટ હોય કે પછી સેનાની ત્રણેય પાંખના શસ્ત્ર સરંજામની, આ બાબત દેશની સુરક્ષા માટે પણ અત્યંત મહત્ત્વની છે, કેમ કે આપણા પાડોશમાં ચીન અને પાકિસ્તાન જેવા દેશો છે.

રાહુલ ગાધીએ સંસદમાં રાફેલ વિમાનના સોદા અંગે શંકા વ્યક્ત કરી તેને રાજકીય મુદ્દો બનાવી દીધો છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ રાફેલનો મુદ્દો ગાજતો રહેશે. સરકાર અને વિપક્ષોના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે એરફોર્સ અને દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી એવી ચર્ચા બાજુ પર રહી જશે.

You might also like