રેડિયોલોજિસ્ટ હડતાળ પરઃ સિવિલ, વીઅેસ, એલજીમાં દર્દીઅોનો ધસારો

અમદાવાદ: ગર્ભ પરીક્ષણ રોકવા માટે સરકારે ઘડેલા કાયદાનો તંત્ર દ્વારા દૂરુપયોગ થતો હોવાની ફરિયાદ સાથે અમદાવાદના પ૦૦થી વધુ અને દેશભરના રેડિયોલોજિસ્ટ આજે એક દિવસની હડતાલ સાથે કામકાજથી અળગા રહેતાં હજારો દર્દી અટવાયા છે. ખાનગી દવાખાનાઓમાં રેડિયોલોજીની સગવડ આજે નહીં મળવાથી દર્દીઓનો ઘસારો સિવિલ, વાડીલાલ, એલજી વગેરે સરકારી હોસ્પિટલ તરફ વધ્યો છે.

ઇન્ડિયન રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ એસોસીઅેશનના ગુજરાત સ્ટેટના પ્રમુખ ડો.હેમંત પટેલે જણાવ્યું હતું કે ગર્ભ પરીક્ષણ ન થવું જોઇએ તે બાબતે અમારો પૂરો સહકાર અને સંમતિ છે પરંતુ માઇનર કલેરિકલ એરરના કારણે પ્રામાણિક રેડિયોલોજિસ્ટ સાથે અન્યાયી અને દમનકારી અભિગમ દાખવવામાં આવે છે તેનો વિરોધ છે.

રેડિયોલોજીસ્ટ ડો.કલ્પેશ શાહે જણાવ્યું હતું કે સોનોગ્રાફી કરાવનાર દર્દીના ફોર્મમાં ફોન નંબર કે માનવસહજ સામાન્ય ક્ષતિ રહી જાય તો મશીન સીલ કરીને રજિસ્ટ્રેશન કેન્સલ કરી દેવાય છે. કેટલાંક સેન્ટર પર ઇમર્જન્સી કેસમાં સેવા આપવામાં આવશે એવું ડો. હેમંત પટેલે વધુમાં જણાવ્યું હતું પરંતુ સામાન્ય કેસમાં દર્દીઓએ એક દિવસ રાહ જોવી પડશે અથવા સરકારી હોસ્પિટલમાં લાઇનમાં ઊભા રહેવું પડશે.

You might also like