…તો આ રીતે રાધિકાને મળી હોલિવૂડ ફિલ્મ

ફિલ્મ ‘રાજી’માં આલિયા ભટ્ટ બાદ રાધિકા આપ્ટે પણ જાસૂસના રોલમાં જોવા મળશે. માઇકલ વિન્ટરબોટમની એક અંગ્રેજી ડ્રામા ફિલ્મ ‘ધ વેડિંગ ગેસ્ટ’ સાઇન કર્યા બાદ રાધિકા આપ્ટેએ એક હોલિવૂડ ફિલ્મ સાઇન કરી લીધી છે. 32 વર્ષીય આ અભિનેત્રી બીજા વિશ્વયુદ્ધની જાસૂસ નૂર ઇનાયત ખાનની ભૂમિકા ભજવશે.

નોરા બેકરના નામથી જાણીતી નૂર પ્રથમ મહિલા વાયરલેસ ઓપરેટર તથા અંગ્રેજ જાસૂસ હતી, જે નાઝીઓના કબજાવાળા પ્રાંતમાં વિદ્રોહીઓને મદદ કરવા માટે પેરાશૂટથી ઊતરી હતી. તેની ઉત્કૃષ્ટ સેવા માટે તેને બ્રિટનની પ્રથમ મુસ્લિમ યુદ્ધ વીરાંગનાનો દરજ્જો અપાયો હતો. તેને મરણોપરાંત જ્યોર્જ ક્રોસથી સન્માનિત કરાઇ હતી, જે યુનાઇટેડ કિંગ્ડમનું સર્વોચ્ચ નાગ‌િરક સન્માન છે.

ફિલ્મનું નામ ‘મિસ એટકિન્સ આર્મી’ રાખવામાં આવ્યું છે. તેને અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષામાં બનાવાશે. ફિલ્મનું નિર્દેશન અને સહનિર્માણ કરવા જઇ રહેલી લીડિયા ડીન પિલ્ચરને બે વર્ષ પહેલાં ટ્રિબેકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાધિકાની એક ફિલ્મ જોવા મળી હતી અને તેણે રાધિકા સાથે મુલાકાત કરી. તે રાધિકાના અભિનયથી અત્યંત પ્રભાવિત થઇ.

જ્યારે આ ફિલ્મ માટે કલાકારોની પસંદગી કરી રહી હતી ત્યારે રાધિકાને ફોન પર ફિલ્મની ઓફર કરી. રાધિકાએ કહ્યું કે આ અત્યંત રોચક ભૂમિકા છે. ઘણા ભારતીય બ્રિટિશ આર્મીનો હિસ્સો હતો, પરંતુ તેમની કહાણી ક્યારેય સંભળાવાઇ નથી. નૂરના પિતા એક ભારતીય મુસ્લિમ હતા. બીજું વિશ્વયુદ્ધ એવો સમય હતો જ્યારે દુનિયાભરના લોકોએ એકબીજાને સહયોગ કર્યો હતો.

You might also like