હા, હું બોલ્ડ છુંઃ રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. તેની ઘણી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી ચૂકી છે. ખુદને બોલ્ડ કહેનારી રાધિકાની ઘણી ફિલ્મો વિદેશમાં પણ રિલીઝ થઇ ચૂકી છે. તે હોલિવૂડ નિર્દેશક બેન રેખીની અંગ્રેજી ફિલ્મ ‘ધ આશ્રમ’ને લઇને પણ ચર્ચામાં છે, જેમાં તે અમેરિકી કલાકારો સાથે અભિનય કરી રહી છે. બોલિવૂડમાં રાધિકાને થોડો વધુ સંઘર્ષ કરવો પડ્યો. તે કહે છે કે મેં હંમેશાં સારું કામ કરવાના પ્રયાસ કર્યા છે. સારું કામ મેળવવામાં સમય લાગે છે અને સંઘર્ષ કરવો પડે છે. મને ક્યારેય એ વાતની પરવા રહી નથી કે કઇ ફિલ્મમાં મને શું મળશે.

રાધિકા કહે છે કે હું માત્ર સારું કામ કરવા ઇચ્છતી હોવાથી મેં હંમેશાં એ જોયું છે કે મને સારું કામ કરવાના કેટલા મોકા મળી રહ્યા છે. ‘રક્તચરિત્ર’ અને ‘શોર ઇન ધ સિટી’ ફિલ્મમાં અભિનય કર્યા બાદ હું મારી ડાન્સ ટ્રેનિંગ લેવા લંડન ચાલી ગઇ. બે વર્ષ સુધી ત્યાં રહી. પરત ફરી ત્યારે મને ‘બદલાપુર’ ફિલ્મ મળી. આ ફિલ્મે મને અભિનેત્રીના રૂપમાં જબરદસ્ત ઓળખ અપાવી. ‘બદલાપુર’ ફિલ્મ બાદ મારી ગણતરી ખૂબ જ બોલ્ડ અને હોટ અભિનેત્રીના રૂપમાં થઇ. મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું. રાધિકા એમ પણ કહે છે કે આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં અભિનેત્રીને હોટ માનવામાં આવે છે. મારા મત મુજબ મારી કોઇ ઇમેજ નથી. હું બોલ્ડ છું, પરંતુ બોલ્ડ પાત્ર ભજવવાનો મતલબ અંગપ્રદર્શન કરવાનો નથી. •

You might also like