બોલ્ડ અભિનેત્રી નહીં, પાત્ર હોય છે

બોલિવૂડમાં હાલમાં રાધિકા આપ્ટેનું નામ ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. અત્યાર સુધી બોલિવૂડની ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયનો પરિચય આપી ચૂકેલી રાધિકા આપ્ટેએ તાજેતરમાં રજનીકાંત સાથે ફિલ્મ ‘કબાલી’માં પણ કામ કર્યું છે. રજનીકાંત સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરતા રાધિકા કહે છે કે જ્યારે રજની સર સાથે ફિલ્મની ઓફર થઇ ત્યારે હું કેટલી ખુશ થઇ તે વાતને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મારા માટે એક સપનું સાચુ પડવા જેવું હતું. જ્યારે મને રજની સરની ફિલ્મ ઓફર થઇ ત્યારે મેં કંઇ પણ વિચાર્યા વગર હા કહી દીધી.

અત્યાર સુધી અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવી ચૂકેલી રાધિકા આપ્ટેને સ્ટીરિયો ટાઇપ રોલ ઓફર થયા નથી. તે કહે છે કે હું એવું માનતી નથી કે હું કંઇક વિશેષ પ્રકારના રોલ કરું છું, પરંતુ દર વખતે મને અલગ જ રોલ ઓફર થયા છે. દરેક ફિલ્મમાં મારું પાત્ર કંઇક અલગ રહ્યું. હું ખુદ ક્યારેય સ્ટીરિયો ટાઇપ રોલ કરવા ઇચ્છતી નથી. મારું ખુદનું માનવું છે કે એક કલાકારને કોઇ વિશેષ ટાઇપના રોલ માટે વારંવાર કહેવું પણ ન જોઇએ, કેમ કે કલાકાર કોઇ વિશેષ ભૂમિકામાં સીમિત ન રહીને સ્વચ્છંદ રીતે દરેક પ્રકારની ભૂમિકા ભજવવા ઇચ્છે છે. રાધિકાની ઇમેજ એક બોલ્ડ અભિનેત્રીની પણ છે. તે કહે છે કે અમે હંમેશાં સ્ક્રીપ્ટ મુજબનું કામ કરતા હોઇએ છીએ. બની શકે કે મારું કોઇ પાત્ર બોલ્ડ હોય, પરંતુ તે કારણે મારા પર બોલ્ડ અભિનેત્રીનું લેબલ ન લાગવું જોઇએ. લોકો એવું વિચારે છે તો તેમના વિચાર છે. હું તેમાં કંઇ ન કરી શકું. •

You might also like