જગતમાં પ્રેમનાં પ્રથમ પ્રતીક રાધા કૃષ્ણ

૧૪ ફેબ્રુઆરી ભલે સંત વેલેન્ટાઇન ડે તરીકે ઓળખાતી હોય. જગતના લોકો ભલે આ દિવસે પોતાના પ્રિયજન સમક્ષ પ્રેમનો એકરાર કરતા હોય. પરંતુ આ સકળ સૃષ્ટિમાં દિવ્ય પ્રેમનું અદ્દભુત યુગલ હતું રાધા કૃષ્ણનું.
ભગવાન શ્રીકૃષ્ણ યાદ આવે એટલે રાધાજી યાદ અવશ્ય આવે જ. ભગવાન રાધાને ખૂબ ચાહતા હતા. રાધાજી તો શ્રીકૃષ્ણને પોતાનો જીવ જ માનતા હતા. તેથી રાધાજીનું નામ આગળ આવે છે અને શ્રીકૃષ્ણનું નામ પાછળ. આ બાબત બતાવે છે કે, તે બંને વચ્ચે કેટલો દિવ્ય પ્રેમ હશે ?
આદિ કવિ ભક્ત શ્રી નરસિંહ મહેતા પોતાના ઇષ્ટ શ્રીકૃષ્ણનું નામ લેતા પહેલાં રાધાજીને યાદ કરી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણનો જાપ જ રટતા. રાધાજી શ્રીકૃષ્ણ પાછળ એટલાં તલ્લીન થઇ જતાં કે તેઓ ખાવા પીવાનું પણ ભૂલી જતાં. તેઓ આગળ તેમના દેહની જરૂરિયાત હંમેશાં ગૌણ રહેતી. આવો દિવ્ય પ્રેમ રાધાજીને શ્રીકૃષ્ણ માટે છે.
રાધાજી ગોકુળના યાદવ વૃષભાનુની પુત્રી. તે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી. રાત દિવસ તેમનું જ ચિંતન કર્યા કરતી. મથુરાના રાજા કંસને જ્યારે જાણ થાય છે કે દેવકીનું આઠમું સંતાન ભગવાન શ્રીકૃષ્ણ છે ત્યારે તે ભયથી બેબાકળો બની જાય છે. તે શ્રીકૃષ્ણને મારવા મથુરા બોલાવે છે. આ કામ તે અક્રુરજીને સોંેપે છે. અક્રુરજી ગોકુળમાં આવે છે. શ્રીકૃષ્ણને તે કંસનો સંદેશો સંભળાવે છે. શ્રીકૃષ્ણ જાણે છે કે અક્રુર આ કામ માટે ગોકુળમાં પધાર્યા છે. એમ જાણી શ્રીકૃષ્ણે મારામાં કંસને મારવાનું સામર્થ્ય છે. તેમ જણાવતા હોય છે. તેઓ તેમના ચક્રના ચિહનવાળો જમણો હાથ લંબાવી અક્રુરજીને ભેટે છે. શ્રીકૃષ્ણ બલરામ તથા અક્રુરજી મથુરા જાય છે. ગોકુળ તેમના શોકથી વ્યથિત થઇ જાય છે. નંદ, યશોદા, જમુુનાજીનાં જળ, કદંબ વૃક્ષનાં પાન, ગોપીઓ, બાળકો, ગાયો શોકાતુર થઇ જાય છે. તમામ દેહસુધ વિસરી જાય છે. જાણે તમામનો પ્રાણ ચાલ્યો ગયો ન હોય તેમ બધા ફરવાં લાગ્યાં.
સૌથી વસમી સ્થિતિ રાધાજીની થઇ. તે તો જાણે જીવતી લાશ બની ગયાં. નારદજી તે ક્ષણે ગોકુળમાં પર્ધાયા. તે ફરતા ફરતા નંદજીના નેસ તરફ ગયા ત્યાં તો યમુના તરફથી એક ભયંકર શોરબકોર સંભળાવા લાગ્યો. નારદજી નંદ યશોદાને સાંત્વન આપવાનું પડતું મૂકી દોડ્યા યમુનાજીનાં તટ તરફ શું થયું તે સાંભળવા પૃચ્છા કરે તે પહેલાં કોઇ બોલ્યું રાધા જમુનાજીમાં પડ્યાં. લોકોએ તેમને બચાવ્યાં, રાધાજીને ભાન આવતાં બોલ્યાં ક્યાં છે કાનો ?’ રાધાજીને ભાનમાં આવેલા જોઇ નારદજી બોલ્યાં, “રાધા મને ઓળખ્યો ? હું બ્રહ્મદેવનો પુત્ર નારદ.” રાધાજી જાણે ત્રીજી જ દુનિયામાં હોય તેમ નારદજી સામે જોઇ ફિકું, માંદલું સ્મિત કરી નારદજીને ફાટી આંખે જોઇ પૂછે છે, ‘કોણ નારદ ?’ તમે શ્રીકૃષ્ણને જોયા ? પેલો અક્રુર તેમને તેડી ગયો છે. ક્યાં છે મારા શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ, ત્રણ વખત બોલીને વળી રાધાજી પાછાં બેભાન થઇ જાય છે. શ્રીકૃષ્ણના જવા માત્રથી રાધાજીની આ દશા હતી.
જ્યારે શ્રીકૃષ્ણ કંસનો વધ કરી બલરામજી સાથે પાછા ગોકુળમાં આવે છે ત્યાં સુધી રાધાજી જીવતી લાશ સમાં રહ્યાં હતાં. ગોકુળનો વાયરો, જમુનાજીનાં જળ, કદંબનાં પાન, ગાયો, ગોવાળિયા બધા જ સાંખ્ય થઇ જાણે નિષ્પ્રાણ થઇ ગયાં હતાં. શ્રીકૃષ્ણ પાછા આવતાં જ તમામ ચેતનવંતાં બની જાય છે. સૌથી પહેલું ચેતન રાધાજીમાં તો બીજું ચેતન નંદ-યશોદામાં આવી ગયું.
રાધા શ્રીકૃષ્ણનો પ્રેમ આ જગતમાં સૌ પ્રથમ હતો. તેમના જેવો દિવ્ય પ્રેમ આજ સુધી કોઇને થયો નથી કે થવાનો પણ નથી.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ
http://sambhaavnews.com/

You might also like