વિદ્યાર્થીઓને રડાવનાર ‘નીટ’ સામે વાલીઓ અને સરકાર સુપ્રીમ કોર્ટમાં

અમદાવાદ: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની ‘નીટ’ સામે અમદાવાદના ૧૬ વાલીઓએ સુપ્રીમમાં પિટિશન દાખલ કરી છે. બીજી બાજુ રાજ્ય સરકારે પણ ‘નીટ’ને વધુમાં વધુ બે વર્ષ અથવા એક વર્ષ પાછી ઠેલવા અપીલ કરતી પિટિશન કરી છે.
વાલીઓ વતી એડ્વોકેટ કુમારેશ ત્રિવેદીએ કરેલી પિટિશનમાં જણાવ્યું છે, વધુમાં વધુ બે વર્ષ સુધી અથવા ઓછામાં ઓછી આ વર્ષ પૂરતી રાહતરૂપે ગુજરાતને નીટમાંથી બાકાત રાખવામાં આવે. ગુજરાત સરકાર છેલ્લાં ઘણાં વર્ષથી ગુજકેટના આધારે મેડિકલ- પેરામેડિકલમાં પ્રવેશ આપે છે. રાજ્યના ૯૪ ટકા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપે છે. આટલાં વર્ષોથી ગુજકેટ માટે તૈયારી કરી ચૂકેલા અને ગુજકેટથી ટેવાયેલા વિદ્યાર્થીઓ અચાનક જ નીટની પરીક્ષા આપી શકે તેમ નથી. ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોવાથી અંગ્રેજીમાં પૂરતી તૈયારી વિના પરીક્ષા આપવાથી તેમને અન્યાય થશે.
વર્ષ ૨૦૧૦નું જ એમસીઆઈનું નીટના મુદ્દે નોટિફિકેશન છે કે આખા દેશમાં મેડિકલ-ડેન્ટલ માટે એક જ પ્રવેશ પરીક્ષા રહેશે, જેના આજે એઆઈપીએનટીને નેટ ફેઝ-૧ તરીકે લેવાઈ રહી છે. ત્યાર બાદ બીજી ૨૪ જુલાઈએ લેવાઈ રહી છે. જે એમસીઆઈના નોટિફિકેશનનો ભંગ કરશે. ઉપરાંત બે વાર પરીક્ષા લેવાથી પરિણામ અને મૂલ્યાંકન અલગ થશે, જે વિદ્યાર્થીને અન્યાય કરશે. ઉપરાંત નેટ ફેઝ-૧ ૧૫ ટકા બેઠક માટે લેવાઈ છે. એઆઈપીએનટી માટે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને ફેઝ-૨ની નીટ માટે તક જ આપવામાં આવી નથી.
૨૮ એપ્રિલે સુપ્રીમ કોર્ટે નીટ ફરજિયાત કરવાનો ચુકાદો આપ્યા બાદ વાલીઓની રજૂઆતના પગલે સરકારે તાકીદે તમામ અધિકારીઓ અને પ્રવેશ સમિતિની બેઠક બોલાવી હતી. શનિવારે જ રાજ્ય સરકારના અધિકારીઓ અને સરકારના વકીલ દિલ્હી પહોંચી ગયા હતા.
આ અંગે હાઈકોર્ટના વકીલ કુમારેશ ત્રિવેદીએ દિલ્હીથી જણાવ્યું હતું કે વાલીઓ તરફથી નીટના વિરોધમાં આજે અમે સુપ્રીમમાં અરજી દાખલ કરી રહ્યા છીએ, જેમાં અનેક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. નીટની પરીક્ષા અંગ્રેજી અને હિન્દી એમ બે જ ભાષામાં લેવાય છે. જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં ગુજકેટની તૈયારી કરી લીધી છે. ખાસ કરીને ૮૫ ટકા સ્ટેટ ક્વોટાની આ તૈયારી છે, જ્યારે નીટ ૧૫ ટકા ક્વોટા માટેની છે. ગુજરાતના વિદ્યાર્થીઓને નીટ ફેઝ-૨ની તક મળવાની નથી. આવી પોલિસી મેટર બે વર્ષ પહેલાં જાહેર કરવી પડે. આ તમામ બાબતો સાથે લડીશું, જોકે ગઈ કાલે પરીક્ષા આપ્યા બાદ અસંમજસની સ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓ વર્ષ બગડવાની ચિંતામાં રડી પડ્યા હતા.

You might also like