ભારતમાં પણ વંશીય ભેદભાવ અને મતભેદો વકરી રહ્યા છે

ભારતની સિ‌લિકોનવેલી બેંગલુરુમાં આફ્રિકાના ટાન્ઝાનિયાની એક વિદ્યાર્થિની સાથે જે પ્રકારનો દુર્વ્યવહાર અને દુરાચાર આચરાયો તેના પરથી લાગે છે કે આપણાં દિલોદિમાગમાં પૂર્વાગ્રહ કેટલી હદે ઘર કરી ગયા છે. આ ઘટનામાં એક સાંજે સુદાની વિદ્યા‌િર્થનીની કાર નીચે કચડાઇ જતાં એક મહિલાનું મોત થયું હતું. તેનાથી રોષે ભરાયેલા લોકોએ અડધા કલાક પછી કારમાં પસાર થઇ રહેલ ટાન્ઝાનિયાની ચાર વિદ્યાર્થીઓને અટકાવીને તેમની કાર સળગાવી નાખી એટલું જ નહીં, મારપીટ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ નાસી ગયા અને એક વિદ્યાર્થિની ઝડપાઇ જતાં તેની સાથે અભદ્ર અને અશ્લીલ વ્યવહાર કરીને તેનાં કપડાં પણ ફાડી નાખ્યાં. આમ, માત્ર ચામડીનો કલર જોઇને ટોળાશાહીના ન્યાયની જેમ એક વિદેશી વિદ્યાર્થીની ભૂલની સજા બીજી એક નિર્દોષ વિદ્યાર્થિનીને આપવામાં આવી.

ધારો કે આ કાર દુર્ઘટના કોઇ ભારતીય વિદ્યાર્થી દ્વારા થઇ હોત તો શું આવો હુમલો ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય ભારતીયો પર કરવામાં આવ્યો હોત ખરો? શું કોઇ ગોરી ચામડી ધરાવતી વ્યક્તિની સજા બીજી ગોરી ચામડી ધરાવતી વ્યક્તિને કરવી જોઇએ? બિલકુલ નહીં. આ વાત તો એવી છે કે દરેક નાઇજિરિયનવાસીને કેફી પદાર્થોનાે તસ્કર માની લેવો. ગોવાના એક પ્રધાને તો નાઇજિરિયાના લોકોને પોતાના રાજ્ય માટે કેન્સર સમાન ગણાવ્યા હતા.

બેંગલુરુમાં ટાન્ઝાનિયાની એક વિદ્યાર્થિની સાથે અભદ્ર વર્તન થયાના મામલાના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. પોલીસે આ અંગે ક્રિ‌મિનલ કેસ દાખલ કરી ચાર આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કર્ણાટક સરકાર પાસે રિપોર્ટ માગ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે કોંગ્રેસ આ ઘટનાને વખોડી કાઢે છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પણ પણ આ ઘટનાને દેશ માટે શરમજનક ગણાવી હતી.

બેંગલુરુમાં ગત રવિવારે વિદેશી વિદ્યાર્થીની કાર નીચે આવી જતાં એક મહિલાનું મોત થયા બાદ કેટલાક લોકોએ કાર ચલાવતા બીજા વિદેશી વિદ્યાર્થીઓની મારપીટ કરી હતી અને કારને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટાન્ઝાનિયાની વિદ્યાર્થિની સાથે ટોળાએ અભદ્ર વર્તન કર્યું હતું. આ ઘટના બાદ ટાન્ઝાનિયાની એમ્બેસીએ ભારત સરકારને આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

બેંગલુરુના પોલીસ કમિશનર એન. એસ. મેઘારીએ જણાવ્યું કે પોલીસે આ ઘટનામાં ડ્રાઈવરને ટોળામાંથી બચાવી તેની અકસ્માત બદલ ધરપકડ કરી છે. ટોળાએ કારને આગ લગાવી દીધી હતી ત્યારે ટાન્ઝાનિયાના અન્ય પાંચ લોકો ત્યાં આવી જતાં ટોળાએ તેમને ઘેરી લીધા હતા. ટાન્ઝાનિયાની એક યુવતીનાં કથિત રીતે કપડાં ફાડી નાખી તેને ફેરવી હોવાના આરોપ અંગે પોલીસે જણાવ્યું કે અમે મીડિયામાં આવા અહેવાલ આવ્યા બાદ યુવતીનું નિવેદન લીધું છે અને આરોપીઓની તપાસ કરી રહ્યા છીએ. ઘટના બાદ તે યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી અને ડરના કારણે પોલીસ પાસે આવી ન હતી. તેમણે વધુમાં જણાવ્યુ‌ં કે આ અકસ્માતનો કેસ છે, જેમાં ટોળાએ ખોટા લોકોને નિશાન બનાવ્યા છે. આ કેસમાં ટાન્ઝાનિયાની વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે પોલીસે મહિલા સાથે શાર‌ીરિક છેડતીનાે કેસ દાખલ કર્યો છે.

અા ઘટના પરથી એવો સંકેત મળે છે કે ભારતમાં પણ વંશીય મતભેદો પ્રવર્તે છે. દિલ્હીના એક પૂર્વ પ્રધાનને પ્રત્યેક આફ્રિકન મહિલામાં વેશ્યાનાં દર્શન થતાં હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયા કે અમેરિકામાં કોઇ ભારતીય પર હુમલો થાય છે ત્યારે આપણે તત્કાળ વંશીય (રેસિયલ) ભેદભાવની કાગારોળ મચાવવાનું શરૂ કરી દઇએ છીએ, પરંતુ આપણે અહીં શું કરી રહ્યા છીએ? આફ્રિકાના વિદ્યાર્થીઓ પર ભારતમાં હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. એ જ રીતે નોર્થ-ઇસ્ટના લોકો સાથે પણ અાવો જ વ્યવહાર થઇ રહ્યો છે.

આપણે ભલે વૈશ્વિક મંચ પર રંગ, જાતિ અને વંશીય ભેદભાવ મિટાવવાના નારા જોરશોરથી લગાવી રહ્યા હોઇએ, પરંતુ આપણા દેશમાં જ આ અંગે આપણી વિચારધારા આગળ જવાના બદલે પીછેહઠ કરી રહી છે. વાસ્તવમાં રાજકારણનું સ્તર ઘણું નીચું ઊતરી ગયું છે, જેના કારણે જ્ઞાતિ, જાતિ, ધર્મ, રંગ, વર્ણ, સંપ્રદાય, પંથ, પ્રદેશના મતભેદો અને ભેદભાવ દિન-પ્રતિદિન વધુ મજબૂત થઇ રહ્યા છે. આજે સોશિયલ મીડિયા પર પણ નાની-નાની ઓળખના આધારે લોકોનાં જૂથો બની રહ્યાં છે, જે ખરેખર યોગ્ય નથી.

You might also like