રબારી કોલોની પાસે સાળા, બનેવી પર છરીથી હુમલો

અમદાવાદ: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોની પાસે શટલ રિક્ષા ભરવા બાબતે ગઇ કાલે મોડી રાતે રિક્ષા ચાલકો વચ્ચે મામલો બિચક્યો હતો. જોતજોતામાં મામલો એ હદે ગંભીર બન્યો કે બે રિક્ષાચાલકોએ શટલ રિક્ષા ચલાવતા સાળા-બનેવી પર છરી વડે હુમલો કર્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે રામોલ પોલીસ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને છરી વડે ઇજાગ્રસ્ત થયેલા સાળા-બનેવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે વસ્ત્રાલ ગામમાં આવેલી પંજરી રે‌િસડન્સીમાં રહેતાં રામલખન સત્યભાણસિંગ ભાદોરિયા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. રબારી કોલોની પાસે ગઇ કાલે શટલ રિક્ષા ભરવા બાબતે બાબુ ઉર્ફે ખલીફા તેમજ દીપક નામના યુવક સાથે રામલખનની બબાલ થઇ હતી. મોડી રાતે રામલખન પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યાર બાબુ અને દીપક બન્ને જણા રામલખન જોડે આવ્યા હતા અને તેના પર હુમલો શરૂ કરી દીધો હતો. રામલખનને માર ખાતાં જોઇને તેના બનેવી વિનોદ ભદો‌િરયા છોડાવવા માટે દોડી આવ્યા હતા.

જોતજોતામાં દીપક અને બાબુએ તેની પાસે રહેલ છરી કાઢીને રામલખન તેમજ વિનોદ પર હુમલો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં બન્ને જણા ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રામોલ પોલીસ આ મામલે મોડી રાતે રબારી કોલોની પાસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે બે યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like