કિંગ્સ ઇલેવન પંજાબનું નેતૃત્વ કરશે આર. અશ્વિન….

પ્રીતિ ઝિંટાની કિંગ્સ ઇલેવન પંજાબ ટીમને અંતમાં આઇપીએલની આગામી સિઝન માટે નવો સુકાની મળી ગયો. આઇપીએલમાં પંજાબની ટીમનું સુકાની પદ ભારતીય ટીમના ઓલરાઉન્ડર એવા આર. અશ્વિનને સોંપવામાં આવ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં અશ્વિન તેમજ યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને ડેવિડ મિલર જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2018નું આયોજન 7 એપ્રિલથી 27 મે સુધીમાં કરવામાં આવ્યું છે. ભારતીય ઓલરાઉન્ડ આર. અશ્વિને અત્યાર સુધી કોઇ ફોર્મેટમાં સુકાનીપદ સંભાળ્યું નથી. જો કે થોડા સમય અગાઉ આર. અશ્વિનનું નિવેદન આવ્યું હતું કે મે મારા રાજ્યની ટીમનો સુકાની રહ્યો હતો અને મને જો કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો સુકાની બનાવામાં આવશે તો આ ભૂમિકાને હું યોગ્ય તરીકે સંભાળીશ. 31 વર્ષીય આર. અશ્વિને અત્યાર સુધીમાં તામિલનાડુના સુકાની તરીકે સારુ પ્રદર્શન કર્યું છે. જો કે અશ્વિને તામિલનાડુ ટીમમાં કોઇપણ ટી-20 મેચમાં નેતૃત્વ કર્યું નથી.

અશ્વિનના નેતૃત્વમાં ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં 1 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 15 સ્થાનિક વન ડેમાંથી 12માં વિજય મળ્યો હતો અને 3માં પરાજયનો સામનો કરવો પડયો છે.

આગામી 2018 માટેની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના દિગ્ગજ ખેલાડીઓ….
અક્ષર પટેલ (6.75 કરોડ), આર. અશ્વિન (7.6 કરોડ), યુવરાજસિંહ (2 કરોડ), કરૂણ નાયર (5.6 કરોડ), લોકેશ રાહુલ (11 કરોડ), ડેવિડ મિલર (3 કરોડ), એરોન ફિંચ (6.2 કરોડ), માર્કસ સ્ટોઇનિસ (6.2 કરોડ), મયંક અગ્રવાલ (1 કરોડ), અંકિતસિંહ રાજપૂત (3 કરોડ), એન્ડ્રૂ ટાઇ (7.2 કરોડ), મુજીબ જાદરાન (4 કરોડ), મોહિત શર્મા (2.4 કરોડ), બરિંદર સરાં (2.2 કરોડ), ક્રિસ ગેઇલ (2 કરોડ), બેન ડવૌશુઇસ (1.4 કરોડ), અક્ષદીપ નાથ (1 કરોડ), મનોજ તિવારી (1 કરોડ), મંજૂર ડાર, પ્રદીપ સાહૂ, મયંક ડાગર (20-20 લાખ)

આઇપીએલમાં અશ્વિનની અત્યાર સુધીની સફર…
આર. અશ્વિન પુણેની ટીમમાંથી ગત આઇપીએલ-2017માં ઇજાગ્રસ્ત હોય રમી શક્યો નહોતો. અશ્વિને અત્યાર સુધીમાં આઇપીએલની 111 મેચમાં 25ની સરેરાશથી 100 વિકેટ ઝડપી છે. તેનો ઇકોનોમી રેટ 6.55નો રહ્યો છે. અશ્વિનનું આઇપીએલમાં 34 રન આપી 4 વિકેટ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

કિંગ્સ ઇલેવન પંજાબ અત્યાર સુધીમાં આઇપીએલમાં ચેમ્પિયન બન્યું નથી. 2014ની ફાઇનલમાં કોલકાતા સામે પંજાબનો પરાજય થયો હતો. જ્યારે 2008માં ત્રીજા સ્થાન પર, 2009માં પાંચમાં સ્થાન પર, 2010માં 8માં સ્થાન પર, 2011માં 5માં સ્થાન પર, 2012માં 6ઠ્ઠા સ્થાન પર, 2013માં 6ઠ્ઠા સ્થાન પર, 2014માં 2 સ્થાન પર, 2015માં 8માં સ્થાન પર, 2016માં 8માં સ્થાન પર, 2017માં 5માં સ્થાન પર હતું.

આર. અશ્વિન કિંગ્સ ઇલેવન પંજાબનો 10મો સુકાની છે. આ અગાઉ યુવરાજ સિંહ, સંગકારા, જયવર્ધને, ગિલક્રિસ્ટ, હસી, બેલી, મિલર, વિજય અને મેક્સવેલે ટીમનું નેતૃત્વ કર્યું છે.

You might also like