નવા ‘બ્રહ્માસ્ત્ર’ સાથે અશ્વિને વાપસી કરીઃ બીસીસીઆઇએ પુરાવો જારી કર્યો

નવી દિલ્હીઃ વન ડે ટીમની બહાર ચાલી રહેલા ઓફ સ્પિનર આર. અશ્વિને ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સ્થાન મજબૂત કરવા માટે પોતાના ભાથામાં એક નવા બ્રહ્માસ્ત્રને સામેલ કર્યું છે. ગત દિવસોમાં પોતાની બોલિંગ પર જોરદાર મહેનત કરનારા તામિલનાડુના આ બોલરે ગઈ કાલથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસીએેશનના મેદાન પર રણજી ટ્રોફી ચેમ્પિયન કર્ણાટક અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે શરૂ થયેલી પાંચ દિવસીય ઈરાની ટ્રોફી મેચમાં એક નવા અંદાજ સાથે વાપસી કરી.

ઉલ્લેખનીય છે કે અશ્વિનને રેસ્ટ ઇન્ડિયાની ટીમમાં ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને સામેલ કરાયો છે. એમ તો આ બંને સ્પિનર ઘણા લાંબા સમયથી વન ડે અને ટી-૨૦ ટીમની બહાર ચાલી રહ્યા છે. ચીફ સિલેક્ટર એમ. એસ. કે. પ્રસાદે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે વિશ્વકપ પહેલાં યુવાઓને તક આપવા માટે આ બંને ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ તાજેતરમાં જ બીસીસીઆઇ દ્વારા અશ્વિન અને જાડેજાને ‘એ’ કેટેગરીમાં સામેલ કરીન આ બંનેની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. અશ્વિન પણ પરિસ્થિતિને સારી રીતે સમજી ચૂક્યો છે અને એ જ કારણ છે કે હવે તેણે પોતાના બોલિંગ ભાથામાં નવાં તીર સામેલ કર્યાં છે.

અશ્વિને સાબિત કરી આપ્યું છે કે મહેનત કરવાથી ઘણું બધું હાંસલ કરી શકાય છે. અશ્વિન પાસે હરભજન જેટલો ટર્ન નથી, પરંતુ તે લેગકટર, સ્ટ્રેટર વન અને બોલની ગતિ સાથે પ્રયોગ કરીને, ખાસ કરીને ભારતીય પીચો પર વિકેટો ઝડપતો રહ્યો અને જોતજોતામાં હરભજનસિંહ વિસરાઈ ગયો. હવે નવા બ્રહ્માસ્ત્ર સાથે અશ્વિને એ મેસેજ આપવાની કોશિશ કરી છે કે તે વન ડે ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા અને નવા પ્રયોગ કરવાથી બિલકુલ ખચકાતો નથી.

અશ્વિને પોતાના નવા બ્રહ્માસ્ત્ર તરીકે લેગ સ્પિનને પોતાનાં ભાથાંમાં સામેલ કર્યું છે. ગત દિવસોમાં ઓફ સ્પિનર અશ્વિને લેગ સ્પિન બોલિંગ પર બહુ જ મહેનત કરી અને ગઈ કાલે જ્યારે અશ્વિને ઈરાની ટ્રોફી મેચના પહેલા દિવસે લેગ સ્પિન બોલિંગનો ઉપયોગ કર્યો, તો બીસીસીઆઇએ ટ્વિટર પર તેની તસવીર પોસ્ટ કરવામાં જરાય મોડું કર્યું નહીં. આમ, શરૂઆત તો થઈ ગઈ છે, હવે એ જોવું રહ્યું કે આવનારા દિવસોમાં અશ્વિનનો લેગ સ્પિન બોલ કેવું પરિણામ આપે છે.

You might also like