આવતી કાલે અશ્વિન ટેસ્ટ મેચની અડધી સદી પૂરી કરશે

ગોલઃ ભારતીય ઓફ સ્પિનર આર. અશ્વિન શ્રીલંકા સામે આવતી કાલે શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો હિસ્સો બનતાની સાથે જ ટેસ્ટ મેચની અર્ધસદી પૂરી કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી લેશે.

૩૦ વર્ષીય અશ્વિન અત્યાર સુધીમાં કુલ ૪૯ ટેસ્ટ રમી ચૂક્યો છે અને ગોલમાં શ્રીલંકા સામે ત્રણ મેચની શ્રેણીની પ્રથ ટેસ્ટ અશ્વિનની ૫૦મી ટેસ્ટ મેચ બનશે. ઉત્સાહિત દેખાઈ રહેલા અશ્વિને પોતાની ટેસ્ટ સફરને લઈને કહ્યું, ”આ મારી ૫૦મી ટેસ્ટ હશે અને અત્યાર સુધીની મારી સફર સારી રહી છે, જેણે મને વધુ પરિપક્વ અને અનુભવી ક્રિકેટર બનાવ્યો છે. હું નથી જાણતો કે આવનારા સમયમાં હું કેટલી ટેસ્ટ રમીશ, પરંતુ જેટલી પણ ટેસ્ટ હું રમ્યો છું તેનાથી વધુ સારો ક્રિકેટર બની ગયો છું.

કોહલી-કુંબલે વિવાદ અંગે કહ્યુંઃ અમે આગળ વધી ગયા છીએ
અશ્વિને સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમે તાજેતરના કોચ-કેપ્ટન વિવાદને પાછળ છોડી દીધો છે. નવા કોચ રવિ શાસ્ત્રીનો સમગ્ર ટીમ પર સકારાત્મક પ્રભાવ પડશે. હાલના દિવસોમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ બોલર અશ્વિને જણાવ્યું, ”અમે કેપ્ટન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલે વચ્ચેના મતભેદોથી આગળ વધી ગયા છીએ. નિર્ણય થઈ ચૂક્યો છે અને એ નિશ્ચિત રૂપે એવી ચીજ છે, જેના પર હું કોઈ ટિપ્પણી કરવા માગતો નથી.”

અશ્વિને કહ્યું, ”રવિ શાસ્ત્રી શાનદાર વ્યક્તિ છે, જેને ડ્રેસિંગ રૂમમાં જોવો સારું લાગશે. જ્યારે તે ડિરેક્ટર તરીકે ટીમ સાથે હતો ત્યારે અમે ગોલમાં ટેસ્ટમાં હારી ગયા હતા અને તેણે અમને નિરાશામાંથી બહાર કાઢ્યા હતા. શાસ્ત્રી એવી વ્યક્તિ છે, જેનો ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક પ્રભાવ પડે છે. અમે સાથે કામ કરીને શાનદાર પરિણામ લાવીશું.”
http://sambhaavnews.com/

You might also like