“શા માટે ગણપતિ બાપા મોરયા?”

728_90

ગણેશોત્સવમાં ‘ગણપતિ બાપા મોરયા’ના અવાજો ઠેરઠેરથી સંભળાય છે. મોરયા એટલે નમસ્કાર. એ રીતે જોતાં ‘ગણપતિ બાપા મોરયા’નો અર્થ ‘ગણપતિ બાપાને નમસ્કાર’ એવો થાય. વળી મોરેશ્વર નામનો ગણપતિનો એક મોટો ભક્ત પણ થયો છે. તેની ભક્તિને કારણે પ્રભુ સાથે તેનું નામ જોડાઇ ગયું.

પંઢરપુરમાં વિઠ્ઠલના મંદિરમાં પણ ‘ગ્યાનબા તુકારામ’ની ધૂન બોલાય છે. “મદ્ ભક્તાનાં ચ યે ભક્તાઃ તે મે પ્રિયતમા મતાઃ ।” – મારા ભક્તોના જે ભક્તો છે તે મને સૌથી વધુ પ્રિય છે.” તેમ પ્રભુએ કહ્યું છે; તેથી જ કદાચ આ મોરયાનું નામ ગણપતિ સાથે જોડી દીધું હશે.

ગણપતિની ચતુર્થી અવસ્થા, તુર્યાવસ્થા સુધીની સિદ્ધિનું સૂચન કરે છે. ચોથનો ચંદ્ર જોવાનો નિષેધ છે. ચંદ્ર એ મનનો દેવતા છે. “ચંદ્રમા મનસો જાતઃ ।” ચંદ્ર જેમ વધતો ઘટતો રહે છે તેમ મરકટ જેવું મન નાચતું કૂદતું રહે છે. તુર્યાવસ્થા સુધી પહોંચવા માગતા માનવે મનની ચંચળતાને આધીન ન થવું જોઇએ, ચિત્ત એકાગ્ર કરવું જોઇએ.

મનના તાલે નાચવામાં માનવજીવનનો વિકાસ નહીં પરંતુ અધઃપતન છે એ વાત આ ચંદ્રદર્શનના નિષેધની પાછળ ગર્ભિત છે. કોઇ પણ મા પોતાના પુત્રમાં ન ઝંખે એવું ગણપતિનું રૂપ છે. છતાંય આપણા ઋષિઓએ ગણપતિને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કામમાં તેમનું જ પહેલું પૂજન થાય છે.

વિવાહનો પ્રસંગ હોય કે લક્ષ્મી-પૂજનનો; શિલારોપણ હોય કે કુંભ મૂકવાનો હોય; અરે ! મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવાની હોય તો પહેલું પૂજન ગણપતિનું જ. ગણપતિની મૂર્તિ ન હોય તો સોપારીના ગણપતિ બનાવવાના પણ અગ્રપૂજન તો ગણપતિનું જ થવું જોઇએ.

પૌરાણિક કથા છે કે અજાણતાં જ ગણપતિનું શીશ કાપી નાખ્યા પછી પાર્વતીજીને પ્રસન્ન કરવા ભગવાન શિવજી તેમના પાર્ષદને શીશ શોધી લાવવા મોકલે છે. પાર્ષદ નજીકમાં જઇ હાથીનું મસ્તક લઇ આવે છે અને ધડ ઉપર તે મસ્તક મૂકતાં ગણપતિ સજીવન થાય છે.

ગણપતિ ગજાનન બને છે. પુરાણોની ભાષા ભાવગર્ભિત તેમજ લક્ષણા અને રૂપકોથી ભરેલી હોય છે. બુદ્ધિશાળી પોતાની બુદ્ધિ કસી ભાવ ગર્ભિત અર્થ કાઢી આનંદ પામી શકે છે અને બાળક બુદ્ધિના વાર્તારૂપે તે વાંચીને આનંદ પામે છે.

જે ભગવાન શિવજી હાથીનું મસ્તક ધડ પર બેસાડી શકે તે ગણેશનું પોતાનું જ માથું પાછું કેમ ન જોડી શકે ? પરંતુ પુરાણો આપણને સમજાવે છે કે ગણપતિ એ તત્ત્વજ્ઞાનના દેવતા તેમજ સમાજના નેતા છે. તત્ત્વવેત્તા અને નેતા પાસે હાથીનું મસ્તક જ હોવું જોઇએ. સંકુચિત વ‌ૃત્તિનો માણસ મહાન તત્ત્વવેત્તા કે સફળ લોકપ્રિય નેતા બની શકતો નથી.•

You might also like
728_90