સૌથી ઝડપી-ખતરનાક બોલ, જ્યારે સ્ટમ્પ પરની બેલ્સ ૬૭ વાર દૂર જઈ પડી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ૨૦૦૩ના વિશ્વકપ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે ક્રિકેટ ઇતિહાસનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. એ બોલની ઝડપ ૧૬૧.૩ KPH હતી. ત્યારથી માંડીને આજ સુધીમાં કોઈ એ રેકોર્ડને તોડી શક્યું નથી, પરંતુ શું તમે જાણો છો કે એક એવા ઝડપી બોલનો પણ રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે, જેની ઝડપ તો જાણવા મળી નથી, પરંતુ હા… એ બોલથી જે કંઈ થયું એ સનસનાટી મચાવી દેનારું હતું.

અહીં વાત થઈ રહી છે ૨૯ જૂન, ૧૯૧૧ની, જ્યારે ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વોર્સેસ્ટરશાયર અને લેન્કેશાયરની ટીમ વચ્ચે મેચ રમાઈ રહી હતી. એ મેચમાં વોર્સેસ્ટરશાયરના ફાસ્ટ બોલર રોબર્ટ બરોસે વિરોધી ટીમના બેટ્સમેન વિલિયમ હડલસ્ટનને એટલા ઘાતક અને ઝડપી બોલ પર બોલ્ડઆઉટ કર્યો કે બધા જોતા જ રહી ગયા. સ્ટમ્પ વિખેરાઈ ગયાં અને એક બેલ્સ એટલે દૂર જઈને પડી કે અંતર માપવાનો નિર્ણય કરવામાં આવ્યો. જે પરિણામ આવ્યું એનાથી બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, કારણ કે બેલ્સ ૬૭ વાર અને છ ઈંચ દૂર જઈને પડી હતી. ક્રિકેટ પીચની લંબાઈ ૨૨ વારની હોય છે. એટલે કે બેલ્સ વિકેટની પાછળ ત્રણ પીચ જેટલા અંતરે જઈને પડી હતી. એ એક વિશ્વ રેકોર્ડ હતો, આજે પણ છે જ અને કોઈ નથી જાણતું કે ક્યાં સુધી આ રેકોર્ડ જળવાયેલો રહેશે.

વર્ષ ૨૦૦૩માં શોએબ અખ્તર દ્વારા ફેંકવામાં આવેલા બોલને સૌથી ઝડપી માનવામાં આવે છે, પરંતુ એ શું હકીકત હતી – એ હંમેશાં મોટો સવાલ રહ્યો છે. એનું કારણ એ છે કે ક્રિકેટમાં બોલની ઝડપને માપનારું યંત્ર એટલે કે સ્પીડોમીટરનો અસલ પ્રયોગ ૧૯૯૮માં ઈંગ્લેન્ડમાં શરૂ થયો હતો. એ પહેલાં અલગ અલગ રીતની ઘણી કોશિશો થઈ ચૂકી હતી, પરંતુ ક્યારેય બોલની અસલી ઝડપ જાણી શકાઈ નહોતી.

એક સમયે વેસ્ટ ઇન્ડીઝ પાસે એન્ડી રોબર્ટ્સ, જોએલ ગાર્નર, કોલિન ક્રોફ્ટ, માલ્કમ માર્શલ અને માઇકલ હોલ્ડિંગ જેવા એવા ઘતક બોલર્સ હાજર હતા, જે દુનિયાના દિગ્ગજ બેટ્સમેનો ધ્ૂજી જતા. એ સમયે પણ સ્પીડોમીટર ન હોવાને કારણે કોઈ બોલરની ઝડપ જાણી શકાઈ નહોતી. ૧૯૧૧માં કેટલાક દિગ્ગજો રોબર્ટ બરોસના બોલને સૌથી ઝડપી માનતા હતા, કારણ કે એ બોલે સ્ટમ્પ પરની બેલ્સને ૬૭ વાર દૂર ફેંકીને પોતાનો પ્રભાવ મેદાન પર છોડ્યો હતો અને એ રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

રોબર્ટ બરોસઃ ગજબનો ઓલરાઉન્ડર
જમણા હાથે બોલિંગ-બેટિંગ કરનારા ઈંગ્લેન્ડના રોબર્ટ બરોસ એ ઓલરાઉન્ડર્સમાંના એક છે, જેમણે ૨૦ વર્ષ સુધી મેદાન પર ધમાલ મચાવી હતી. આ ફક્ત એ એક જ ઘાતક બોલની વાત નથી, પોતાની કરિયરમાં તેમણે જે કંઈ કર્યું છે એ યાદગાર અને ઐતિહાસિક રહ્યું છે. રોબર્ટ બરોસે પોતાની પ્રથમ શ્રેણી ક્રિકેટ કરિયરમાં ૨૭૭ મેચમાં ૫૨૨૩ રન બનાવ્યા છે અને ૬૫ વાર અણનમ રહીને બે સદી અને નવ અર્ધસદી ફટકારી છે, જ્યારે બોલિંગમાં બરોસે ૮૯૪ વિકેટ ઝડપી છે. તેમની કરિયરમાં એક જ કમી રહી ગઈ – તેઓ ક્યારેય પોતાની રાષ્ટ્રીય ટીમ તરફથી રમી શક્યા નહીં.
http://sambhaavnews.com/

You might also like