પ્રશ્નોત્તરીનાં પ્રશ્નની ચર્ચા ન અપાતાં કોંગ્રેસનો વોકઅાઉટ

ગાંધીનગર:  વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નને સ્વીકારાયા બાદ ગૃહમાં તેની ચર્ચા કરવામાં ન અાવતાં કોંગ્રેસના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. અામ છતાં અા પ્રશ્નને સબજ્યુડિસ ગણાવીને ઉડાડી દેવામાં અાવતાં કોંગ્રેસના સભ્યો ગૃહમાંથી વોકાઉટ કરી ગયા હતા.

કોંગ્રેસના વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદાએ વક્ફ બોર્ડને લગતો પ્રશ્ન પૂછ્યો હતો. અા પ્રશ્નને સ્વીકારી લેવાયો હતો અને અાજની પ્રશ્નોત્તરી દરમિયાન તેમનો પાંચમા ક્રમનો પ્રશ્ન હતો, પરંતુ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મહંમદ જાવિદ પીરજાદાના પ્રશ્નને એવું કહીને ચર્ચા કરવાની ના પાડવામાં અાવી હતી કે અા મેટર સબજ્યુડિસ છે, જેના કારણે કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો, જે અંગે અધ્‍યક્ષે જણાવ્યું હતું કે અા બાબત સબજ્યુડિસ હોવાથી મંત્રીની પરવાનગી લીધા બાદ ચર્ચા કરી શકાય.

જેના જવાબમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે વિધાનસભાના નિયમો મુજબ જ્યારે કોઈ પણ પ્રશ્ન સ્વીકારી લેવામાં અાવે ત્યાર બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકાય. અા પ્રશ્નને સ્વીકારી લીધા બાદ બુકલેટમાં નંબર પણ અાપી દેવાયો છે, જેના કારણે અા પ્રશ્નની ચર્ચા નહીં કરવા દઈને ગૃહના નિયમોનો ભંગ કરવામાં અાવી રહ્યો છે, જે અન્યાય છે. અામ કહીને કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચ્ચાર કરી ગૃહમાંથી વોકાઉટ કરી ગયા હતા.

You might also like