ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ શેરબજાર માટે મહત્વનાં થશે સાબિત

ગઈ કાલે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ ૨૬૦.૩૧ પોઇન્ટને સુધારે ૨૬,૬૨૬.૪૬, જ્યારે એનએસઈ નિફ્ટી ૮૨.૨૦ પોઇન્ટને સુધારે ૮૧૫૦ની સપાટી ક્રોસ કરી ૮૧૮૫.૮૦ની સપાટીએ બંધ જોવાઇ છે. આગામી સપ્તાહે શેરબજાર નવી આશા સાથે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં પ્રવેશશે. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ આગામી દિવસોમાં આવશે ત્યારે નોટબંધી બાદનાં આ પરિણામો શેરબજાર માટે મહત્ત્વનાં સાબિત થશે. એટલું જ નહીં આગામી સપ્તાહે ત્રીજી અને ચોથી તારીખે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર વહેંચણીનો મુદ્દો પાછલા કેટલાક સમયથી અટવાયેલો છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રશ્ને સંપત્તિ સધાય છે કે પછી વધુ ગૂંચ ઊભી થાય છે શેરબજારની નજર તેના ઉપર રહેશે.

દરમિયાન વર્ષ ૨૦૧૬માં શેરબજારમાં માત્ર બે ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે, જોકે મેટલ સેક્ટરમાં રોકાણકારને વર્ષ ૨૦૧૬ ફાયદેમંદ પુરવાર થયું હતું. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ૨૦ જાન્યુઆરીએ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શાસન ધુરા સંભાળશે. ત્યાર બાદ શરૂઆતના ૧૦૦ િદવસ વૈશ્વિક બજાર માટે મહત્ત્વના સાબિત થશે. તેમની નીતિની સ્થાનિક શેરબજાર ઉપર પણ અસર થશે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે એક એવી પણ શક્યતા છે કે વડા પ્રધાન રાષ્ટ્રજોગ વાયુપ્રવચનમાં વધુ કેટલાક નિર્ણયની જાહેરાત કરી શકે છે. એ જ પ્રમાણે સરકાર આગામી બજેટની તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે બજાર માટે બજેટ મહત્ત્વની ઇવેન્ટ સાબિત થઇ શકે છે. વૈશ્વિક અને સ્થાનિક બજારોનું સેન્ટિમેન્ટ જોતાં શેરબજારમાં મોટો સુધારો જોવાની શક્યતા ખૂબ જ ઓછી છે. સ્ટોક્સ સ્પેસિફિક વધઘટ નોંધાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like