ઇચ્છિત સંતાન આપનારી છે પુત્રદા એકાદશી, તમે પણ કરી શકો છો

પોષ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે.આ વ્રતમાં ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ.આના પુણ્યથી મનુષ્ય તપસ્વી,વિદ્વાન અને ધનવાન થાય છે. આની એક કથા છે તે સાંભળો. ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે નિ:સંતાન હતો. તેની પત્નીનું નામ શૈવ્યા હતું. તે પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી.

પુત્રહીન રાજાના પિતૃઓ પણ રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે? આ રાજાને પણ બંધુ, બાંધવ,મિત્ર,મંત્રી,રાજ્ય ,હાથી ઘોડા આદિથી સંતોષ થતો નહોતો.તેનું એક માત્ર કારણ પુત્રહીન હોવાનું હતું. તે વિચાર કરતો કે મારા મર્યા પછી મને પિંડ કોણ આપશે? પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઇ શકાતું નથી.જે ઘરમાં પુત્ર ના હોય તે ઘરમાં સદૈવ અંધકાર રહે છે .

એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર આવ્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયો. વનનાં દૃશ્યોને જોઈ વિચારતા રાજાને બપોર થઇ ગઈ.હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી.તે વિચાર કરવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે,છતાં મને આ દુઃખ કેમ મળે છે.

રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો.થોડો આગળ જવાથી એક સરોવર જોયું.તે સરોવરમાં કમલ ખીલેલાં હતાં.એ સરોવરમાં સારસ, હંસ, મગરમચ્છ આદિ જળ ક્રીડા કરતા હતા.એ સરોવરની ચારે કોર મુનિઓના આશ્રમ હતા. એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું.રાજા પ્રસન્ન થઇને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા ઉપરથી ઊતર્યો અને દંડવત્ કરીને એમની સન્મુખ બેસી ગયો. રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા: હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ.તમે આ જગ્યા એ કેમ આવ્યા છો તે કહો.

રાજાએ તેમને પૂછ્યું, હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો?ત્યારે મુનિ બોલ્યા: હે રાજન! આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતતિ આપનારી પુત્રદા એકાદશી છે. અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ. આ સાંભળી રાજા બોલ્યો: હે મુનિશ્વર! મારે કોઈ પણ પુત્ર નથી.

જો તમે મારા ઉપર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો !મુનિ બોલ્યા : હે રાજન! આજે પુત્રદા એકાદશી છે.તમે એનું વ્રત કરો.ભગવાનની કૃપાથી અવશ્ય જ તમને પુત્ર થશે. મુનિનાં વચનો અનુસાર રાજા એ એ દિવસ વ્રત પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરી પોતાના મહેલે પાછો ફર્યો. તે રાત્રીમાં રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ માસે તેમને ઉત્તમ પુત્રનો જન્મ થયો. તે રાજકુમાર મોટો થતાં અત્યંત વીર, ધનવાન,યશસ્વી અને પ્રજા પાલક થયો.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like