૪૦ દેશોમાંથી આઈએસને નાણાં મળતા હોવાનો પુતિનનો આક્ષેપ

નવી દિલ્હી : આતંકી સંગઠન આઈએસના પેરિસ પર હુમલા અંગે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સનસનાટીભર્યો દાવો કર્યો છે. પુતિને જણાવ્યું હતું કે આતંકી સંગઠન આઈએસને કેટલાંક દેશોમાંથી નાણાં મળી રહ્યાં છે, જેમાં જી-૨૦ સાથે જોડાયેલા દેશોનો પણ સમાવેશ થાય છે.
તેમણે દાવો કર્યો હતો કે આ યાદીમાં કુલ ૪૦ દેશોના નામ છે. જે દેશોમાંથી નાણાં પહોંચી રહ્યા છે તે અંગેની ગુપ્તચર માહિતી પણ પુતિને આપી હતી. પુતિને એમ પણ જણાવ્યું હતું કે આઈએસ ક્રૂડ ઓઈલનો ગેરકાયદેસર વેપાર કરે છે તેને પણ બંધ કરાવવાની જરૃર છે.

પુતિનના જણાવ્યા મુજબ આઈએસ પેટ્રોલિયમ પેદાશોનો બિઝનેસ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ઘણાં દેશો આઈએસ સાથે ક્રૂડ ઓઈલનો ગેરકાયદેસર વેપાર પણ કરે છે અને તે દેશોએ તેમની આ પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ. જી-૨૦ સંમેલન બાદ પુતિને જણાવ્યું હતું કે તેમણે ઉદાહરણો આપીને દર્શાવ્યું કે કેવી રીતે આઈએસ સુધી કેટલાંક દેશોથી નાણાં પહોંચી રહ્યા છે અને તેમાં આપણા સાથી દેશો પણ સામેલ છે. પુતિને ઉમેર્યું હતું કે આઈએસ ઓઈલનો ગેરકાયદેસર બિઝનેસ કરે છે. તેને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની જરૃર છે.

You might also like