ધૂલ કા ફૂલઃ લેપટોપ બેગમાં મૂકી નવજાત બાળકીને ત્યજી દીધી!

અમદાવાદઃ મા જ્યારે બાળકને જન્મ આપે ત્યારે પોતાનાં જીવનનું તમામ સુખ મળી ગયું તેવું અનુભવે છે. પરંતુ અમદાવાદની એક નિષ્ઠુર જનેતાએ માત્ર બે દિવસની પોતાની બાળકીને એક લેપટોપ બેગમાં મૂકીને કચરાપેટીમાં ત્યજી દીધી હોવાની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં આવેલા પંચામૃત ફલેટ નજીક કચરાપેટી પાસેથી આજે વહેલી સવારે એક લેપટોપ બેગમાં સ્વેટર, ડાઇપર પહેરાવેલી હાલતમાં એક બાળકી મળી આવી હતી. સ્થાનિકોને આ બાબતે જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને ૧૦૮ મારફતે બાળકીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. વસ્ત્રાપુર પોલીસને આ બાબતે જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મળતી માહિતી મુજબ બોડકદેવ વિસ્તારમાં પંચામૃત ફલેટ નજીકથી કેટલીક મહિલા પસાર થઇ રહી હતી. ફલેટ નજીક આવેલી કચરાપેટીમાં એક લેપટોપ બેગ હતી. જ્યાં ત્રણ ચાર કૂતરાંઓ ફરી રહ્યા હતાં. મહિલાઓને કંઇક અજુગતું લાગતાં તેઓએ બેગની નજીક જઇ બેગ ખોલીને જોતાં તેમાં ઓરેન્જ કલરના સ્વેટરમાં લપેટેલી અને ડાઇપર પહેરાવેલી હાલતમાં એક સુંદર બાળકી મળી આવી હતી મહિલાઓ ગભરાઇ

ત્યાંથી દોડીને જતી રહી હતી. ફલેટની સ્થાનિક મહિલાએ આ જોતાં તેઓને આ બાબતે પૂછતાં બાળકી હોવાનું જણાવ્યું હતું. જેથી ફલેટની આસપાસની મહિલાઓ ભેગી થઇ ગઇ હતી. મહિલાઓએ લેપટોપ બેગ ખોલી કે બાળકીને બહાર કાઢી હતી. બાળકીને ઠંડી ન લાગે તે માટે પૂરતું ઢંકાય તેવું ઓરેન્જ કલરનું સ્વેટર અને ડાઇપર વગેરે પહેરાવેલું હતું. સ્થાનિક મહિલા દ્વારા બાળકીને દૂધ પીવડાવવામાં આવ્યું હતું. બાદમાં ૧૦૮ને જાણ કરાઇ હતી. ૧૦૮ એમ્યુલન્સ દ્વારા બાળકીને પ્રાથમિક સારવાર આપી સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.

સૂત્રોનાં જણાવ્યાં મુજબ બાળકીનાં શરીર પર હોસ્પિટલ દ્વારા જે ટેગ મારવામાં આવે છે તે મળી આવ્યું છે. જેથી તે ટેગ દ્વારા બાળકનો જન્મ કઇ હોસ્પિટલમાં થયો હોય તેની માહિતી મળી શકે તેમ છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વસ્ત્રાપુર પી.આઇ. તેમજ એસીપી સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી બાળકીને ત્યજી દેનારની શોધખોળ શરૂ કરી છે.

visit: sambhaavnews.com

You might also like