બ્રિટનમાં પંજાબી દંપતીએ લગ્નની ૯૦મી વર્ષગાંઠ ઉજવી

લંડન : બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના પતિ-પત્નીએ પોતાના લગ્નની ૯૦મી વર્ષગાંઠ મનાવી છે. આ યુગલને દુનિયાનું સૌથી બુઝૂર્ગ પરિણીત યુગલ માનવામાં આવે છે. કરમ અને કરતારી ચંદની વય ક્રમશઃ ૧૧૦ અને ૧૦૩ વર્ષ છે ભારત પર બ્રિટિશ શાસન દરમિયાન ૧૧ ડિસેમ્બર, ૧૯૨૫ના રોજ તેમના લગ્ન પરંપરાગત રીતે પંજાબી સમારોહમાં થયા હતા અને તેઓ પોતાના લગ્નના ૪૦ વર્ષ પછી ઈંગ્લેન્ડ આવ્યા હતા.

કરમે કહ્યું હતું કે લગ્ન કરવા અને સાથે આટલો સમય વિતાવવો એ તેમના માટે વરદાન સમાન છે. આ યુગલ ઈંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરમાં રહે છે અને તેમના આઠ સંતાનો, ૨૭ પૌત્ર- પૌત્રીઓ અને ૨૩ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. આ વયોવૃદ્ઘ યુગલના સૌથી નાના પુત્ર પોલે, તેમના પત્ની અને તેમના ચારમાંથી બે બાળકોની સાથે રહે છે. પોલના કહેવા પ્રમાણે ખુશહાલ લગ્નજીવનનું રહસ્ય તેમના માતા-પિતાની જેમ વાદ-વિવાદ નહીં કરવામાં રહેલું છે.

પોલે કહ્યું હતું, ‘લગ્નનો અર્થ સમજૂતી છે અને હું માનું છું કે મારા માતા-પિતાનું આટલું લાંબું દામ્પત્ય જીવન એટલે રહ્યું કે તેઓ તણાવમુકત અને ખુશ રહે છે. તેમની સાથેના આટલા વર્ષોના જીવનમાં મેં કયારેય તેમને વિવાદ કરતા જોયા નથી કે એકબીજા પર ગુસ્સે થતાં જોયા નથી. મને લાગે છે કે તેમની ખુશીનું આ જ રહસ્ય છે.’

You might also like