નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું લઈ લેવા પંજાબના 18 પ્રધાનનું દબાણ

ચંડીગઢ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાના કેપ્ટન હોવાનું જણાવીને મુખ્યપ્રધાન અમરિંદરસિંહ સામે પડનાર પંજાબના કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ વિરુદ્ધ રાજ્યના ૧૮ પ્રધાનોએ મોરચો ખોલી દીધો છે. પંજાબના આ પ્રધાનોની માગ છે કે નવજોતસિંહ સિદ્ધુ મુુખ્યપ્રધાન અમરિંદરસિંહની માફી માગે. જોકે નવજોતસિંહ સિદ્ધુ અમરિંદરસિંહની માફી માગવાના મૂડમાં નથી.

આજેે સાંજે પંજાબ સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આજની આ બેઠકમાં સીએમ કેપ્ટન અમરિંદરસિંહના વફાદાર પ્રધાનો નવજોતસિંહ સિદ્ધુ વિરુદ્ધ મોરચો ખોલશે અને મુદ્દો ઉઠાવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો નવજોતસિંહ સિદ્ધુ માફી નહીં માગે તો તેમનું રાજીનામંુ લઇ લેવાનો કેબિનેટમાં પ્રસ્તાવ લાવવાની આ ૧૮ પ્રધાનો તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે નવજોતસિંહ સિદ્ધુ આ બેઠકમાં સામેલ થશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુએ હૈદરાબાદમાં અમરિંદરસિંહની એવા સમયે મજાક ઉડાવી હતી જ્યારે પત્રકારોએ તેમને કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં હાજરીને લઇને તેમની પાકિસ્તાન યાત્રા અંગે પૂછયું હતું. નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી મારા કેપ્ટન છે. તેમણે મને પાકિસ્તાન મોકલ્યો હતો. રાહુલ ગાંધી કેપ્ટન (અમરિંદરસિંહ)ના પણ કેપ્ટન છે. આ નિવેદન બાદ નવજોતસિંહ સિદ્ધુ અમરિંદરસિંહના વફાદાર કોંગ્રેસ નેતાઓના નિશાન પર આવી ગયા છે.

પંજાબના પ્રધાન તૃપ્ત રાજીન્દરસિંહ બાજવાએ નવજોતસિંહ સિદ્ધુને જણાવ્યું હતું કે તેઓ કાંતો રાજીનામું આપે અથવા માફી માગે. રમતગમત પ્રધાન રાણા ગુરમીતસિંહે જણાવ્યું હતું કે મારી કેબિનેટના મોટા ભાગના સાથીઓ ઇચ્છે છે કે આ મુદ્દા પર સોમવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં ચર્ચા થાય. રાજ્યના એક અન્ય પ્રધાને પણ જણાવ્યું છે કે અમરિંદરસિંહના મોટા ભાગના વફાદાર પ્રધાનો આ મુદ્દાને કેબિનેટમાં ઉઠાવવા તત્પર છે.

You might also like