ઈરાકમાં માર્યા ગયેલા ભારતીયોના અવશેષ લેવા પરિવારજનોનો ઈનકાર

અમૃતસર: ઈરાકના મોસુલમાં માર્યા ગયેલા ૩૮ ભારતીયોના મૃતદેહ લઈને વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી કે સિંહ અમૃતસર પહોંચ્યા હતા. પંજાબ સરકારની હાજરીમાં મૃતદેહોના અવશેષો તેમના પરિજનોને સોંપવામાં આવ્યા હતા.પરંતુ તેમાંથી અમુક પરિવારના લોકોએ આ અવશેષો લેવાનો ઈનકાર કરી તેમને નોકરી આપવામાં આ‍વે તેવી માગણી કરી હતી. તે વખતે વી. કે. સિંહે નોકરી આપવી એ બિસ્કિટ વહેંચવાનું કામ નથી તેવું વિવાદાસ્પદ નિવેદન કરતા વિવાદ ઊભો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારે મુશ્કેલી વચ્ચે આ અવશેષોના ડીએનએ સેંપલ મેચ થયા હતાં અને હજી પણ એક અવશેષ પર કામ ચાલી રહ્યું છે. આ મામલે ભારત સરકારે કોઈ જ કસર બાકી રાખી નથી. ત્યાં સુધી કે તે પોતે ચાર વાર ઈરાક ગયા અને તમામ પ્રક્રિયા પૂરી કરાવી. ત્યાર બાદ મોસુલમાં બદૂશની પહાડીઓ નીચે મૃતદેહો દટાયા હોવાની જાણકારી મળી. રડારની મદદથી ટેકરીની નીચે દબાયેલી જાણકારી બહાર કઢાવાઈ, ત્યારબાદ જઈને મૃતદેહોને બહાર કાઢવાનું કામ હાથ ધરવામાં આવ્યું.

કોઈને નોકરી આપવી બિસ્કિટ વહેંચવા જેવું કામ નથીઃ સિંહ
પીડિત પરિવારોને નોકરી આપવાના મામલે વી કે સિંહે જણાવ્યું હતું કે, કોઈને નોકરી આપવી કંઈ બિસ્કિટ વહેંચવા જેવું કામ નથી. આ લોકોની જિંદગી સાથે જોડાયેલો પ્રશ્ન છે. હું અત્યારે કેવી રીતે જાહેરાત કરું, મારા ખિસ્સામાં કોઈ પટારો તો રાખેલો નથી. વિદેશ મંત્રાલયે પીડિત પરિજનો પાસેથી તેમની યોગ્યતા સંબંધિત જાણકારીઓ મગાવી છે.

પંજાબ સરકારે પીડિત પરિજનો માટે અનેક પ્રકારની જાહેરાતો કરી છે. પંજાબ સરકારના મંત્રી નવજ્યોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, પ્રત્યેક પીડિત પરિવારને ૫ લાખ રોકડ, ૨૦૦૦૦ રૂપિયા દર મહિને પેન્શન અને પરિવારની એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે.

You might also like