પંજાબની ચૂંટણી… ભંગડા પા લે… બલ્લે બલ્લે…

સામાન્ય રીતે ચૂંટણીના માહોલમાં ખાદી પહેરીને હાથ જોડીને નમ્રતાથી મતદાન માટે અપીલ કરતા નેતાઓ જોવા મળતા હોય છે. જોકે પંજાબની ચૂંટણીઓમાં આ વખતે કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી, પ્રચાર કરવા માટે આવનારા મોટાભાગના નેતાઓ સાથે ઢોલ સહિતનાં વિવિધ વાદ્યો વગાડનારા તેમજ ગાયકો સાથે રહેતા. લોકગીતોમાં ચૂંટણીને લગતો પ્રચાર કરી નૃત્ય સાથે તેને લોકો સુધી પહોંચાડવામાં આવ્યા.

‘લે ગયા બૈ લે ગયા, ઝાડૂવાલા લે ગયા’

એટલે કે ઝાડુવાળી વ્યક્તિએ રાજકારણમાં ઘણું પરિવર્તન આપ્યું છે. આમ આદમી પાર્ટીના ચિહ્ન ઝાડુના સંદર્ભ આપી પંજાબમાં આ રીતે પ્રચાર થયો હતો. ગુરુદેવ માન નામના ગાયકે ગાયેલું જોડકણું

‘ઝાડૂવાલા બટન દબા દીયોં પંજાબિયોં

બાદલા ન્યોં સબક સિખા દીયોં પંજાબિયોં’

એફએમ રેડિયો પર ચારેકોર સાંભળવા મળતું હતું. શિરોમણિ અકાલી દળે પણ તેની સિદ્ધિઓ આવાં વિવિધ ગીતો મારફતે જ લોકો સુધી પહોંચાડી. વિકાસને લગતાં કેટલાં કામો થયાં તે જિંગલ એફએમ અને ટીવી પર જોવા ફરી વળ્યા હતા. ગીત અને સંગીતના કારણે લોકો પ્રચારમાં સામેલ થાય અને ધ્યાનથી સાંભળે તેવું સ્વાભાવિક છે, આમ પણ પંજાબીઓને ગીત-સંગીત તેમજ નૃત્ય સાથે વધુ લગાવ છે તે વાત જગજાહેર છે.

‘નશા’ના જવામાં ‘લલકાર’

આમ આદમી પાર્ટીમાં સક્રિય કવિ કુમાર વિશ્વાસ તેમની કવિતાઓ અને ગીતની અસરકારકતા માટે જાણીતા છે. વર્ષ ૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ સમયે કુમારે તૈયાર કરેલાં જોડકણાંઓએ પ્રચારમાં મોટો ભાગ ભજવ્યો હતો. આ જ વ્યૂહરચના પંજાબમાં લાગુ કરવા માટે છેેલ્લા એક વર્ષથી તેમણે પંજાબને ધ્યાનમાં રાખીને ઘણી રચનાઓ વિવિધ માધ્યમો થકી વહેતી કરી હતી. કુમારે તૈયાર કરેલું એક નશા નામનું ગીત લોકોમાં અને સોશિયલ મીડિયામાં ઘણુંં લોકપ્રિય બન્યું હતું. તેમાં ‘સાડ્ડી વટ્ટ ખા ગયે, ફસલ ખા ગયે ખેત ખા ગયે બાદલ,

સાડ્ડી સડક ખા ગયે, નહર ખા ગયે, રેત ખા ગયે બાદલ’

આ પંક્તિઓમાં બાદલ પરિવારના કારણે પંજાબને કેટલું નુકસાન થયું છે તેનો ઉલ્લેખ આ ગીતમાં કરવામાં આવ્યો હતો. અકાલી દળ ગત સરકારમાં હોવાથી ત્યાં નશાખોરી અને બેરોજગારી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ તેમનાં ગીતોમાં આ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

સામા પક્ષે આમ આદમી પાર્ટીના આ આક્ષેપોનો જવાબ પણ ગીતની ભાષામાં જ અપાયો. છેલ્લે સત્તામાં રહેલા પક્ષ શિરોમણિ અકાલી દળે આ આક્ષેપોનો જવાબ આપવા ‘લલકાર’  નામનું થીમ સોંગ રિલીઝ કર્યું હતું. માત્ર આવી રીતે કમ્પોઝ કરેલાં તૈયાર ગીત જ નહીં, જાણીતા ગાયકોને પણ ચૂંટણીપ્રચાર માટે રોકવામાં આવ્યા હતા. આટ્ટા-દાલ નામના ગીતમાં અકાલી દળની સરકારે ગરીબી રેખા નીચે જીવતાં લોકોને અતિ સસ્તા દરે અનાજ-કઠોળ મળી રહે છે તે યોજનાઓની વાત કરી હતી. રાજ્યમાં પાણી અને વીજળીનો પુરવઠો સતત મળતો રહે છે, જેના કારણે ખેતીનો વિકાસ થયો છે, તે વિષય પર પણ અકાલી દળે ગીત બનાવડાવ્યું હતું. સ્ટાર પ્રચારકોને બોલાવી પક્ષો ભીડ એકઠી કરતા હોય છે પરંતુ ગીત અને લોકસંગીતના પ્રતાપે પંજાબમાં લોકો સ્વયંભૂ જ પ્રચારમાં ગીતો સાંભળવા આવી પહોંચતા હતા,

બબ્બુ માન પંજાબનું જાણીતું નામ છે, બબ્બુ માને અકાલી દળ અને કોંગ્રેસના ઘણાં ઉમેદવારો માટે રેલીઓમાં ગીતો ગાયાં હતાં. તેમાં ઘણા કિસ્સાઓમાં તો એક જ બેઠકના બે ઉમેદવાર માટે એક જ વિસ્તારમાં બબ્બુએ ગીતો દ્વારા પ્રચાર કર્યો હતો. પક્ષ કે ઉમેદવાર જે હોય તે, બબ્બુના કાર્યક્રમમાં ભીડ સરખી જ રહેતી

કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર કેપ્ટન અમરિંદરસિંઘે પણ આ માર્ગ પકડ્યો હતો. ‘કેહ દો એક બાર, ચાહુંદા હૈ પંજાબ કેપ્ટન દી સરકાર’ અર્થાત્ માત્ર એક વાર દિલથી કહો કે પંજાબને માત્ર કેપ્ટનની જ સરકાર જોઈએ છે. આ ગીત પંજાબના લોકોને ખૂબ ગમ્યું હતું ઉપરાંત હજુ પણ ઘણી ઉજવણીઓમાં તે વગાડવામાં આવે છે. રાજકીય પ્રચારની વ્યૂહરચના માટે જાણીતા પ્રશાંત કિશોરે ૨૦૦ યુવાનોની ટીમ તૈયાર કરી હતી. જે ગત માર્ચ મહિનાથી પંજાબના વિવિધ વિસ્તારોમાં જઈ ખેડૂતો, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ તેમજ યુવાનો સાથે મુલાકાત કરતી હતી. તેમની સાથે વાતો કરી તેમની સમસ્યા અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવવાનું કામ આ ટીમનું હતું. આ ભ્રમણ દરમિયાન તેમને મળેલા વિવિધ તળપદા શબ્દો તેમજ કહેવતોનો ઉપયોગ અમરિંદર સિંઘના પ્રચાર માટે તૈયાર કરાયેલાં ગીતોમાં કરવામાં આવ્યો હતો. બોલિવૂડની જાણીતી મ્યુઝિક કમ્પોઝર સ્નેહા ખનવલકર તેમજ શાહીદ માલ્યા અને રિચા શર્માની ટીમે કોંગ્રેસ માટે એક ગીત તૈયાર કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીને બહારના પક્ષ અને બહારના લોકો તરીકે ઓળખાવવામાં આવ્યા છે

ચૂંટણીપંચે પણ ભગવંત માનની મદદ લીધી

ગીત-સંગીત પંજાબના લોકો પર અસરકારક સાબિત થઈ શકે છે તેમ જાણી ચૂંટણીપંચે જાણીતા ગાયક ભગવંત માનની નિમણૂક કરી હતી. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટેના જાગૃતિ અભિયાન માટે રોકવામાં આવ્યા હતા. વિવિધ ગીતો દ્વારા ભગવંત માને યુવાનોને મતદારયાદીમાં નામ નોંધાવવા માટે તેમજ મતદાનમાં કોઈ ગેરરીતિ ન કરવા માટે અપીલ કરી હતી. એ વાત અલગ છે કે ભગવંત માનનું એક પ્રસિદ્ધ ગીત છે જેના શબ્દો છે અપના પંજાબ હોવે, ઘર દી શરાબ હોવે. આ ગીતમાં સ્થાનિક કક્ષાએ બનાવાતા દેશી દારૂનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. આ દારૂના કારણે પંજાબમાં ઘણાં યુવાનોનાં મોત થયાં છે !

જોકે ઉપરોક્ત કોઈ પણ ગીત તાત્કાલિક લોકજીભે ચડ્યું નહોતું. મહિનાઓ અગાઉ તેને તૈયાર અને રિલીઝ કરવામાં આવ્યાં હતાં. પક્ષમાં પ્રાયોગિક ધોરણે તેને વહેતા કર્યા બાદ તેને લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આવી રીતે પ્રચાર કરવાનો વિચાર તેમજ પ્રથમ અમલ કયા પક્ષનો છે તેના વિશે કોઈ આધારભૂત માહિતી નથી પરંતુ આ યુક્તિ કારગત જરૂર સાબિત થઈ છે.

You might also like