સિદ્ધૂ અથવા તેમની પત્ની બેમાંથી કોઇ એકને જ મળશે ‘આપ’ની ટિકીટ!

નવી દિલ્હી: ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ 15 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી (આપ)માં સામેલ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધૂ બાદ હવે તેમની પત્ની પણ આપમાં જોડાઇ શકે તેવી સંભાવના છે જ્યારે આપના સૂત્રોનું માનીએ તો પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે સિદ્ધૂ અને તેમની પત્ની બેમાંથી કોઇ એકને જ ટિકીટ આપશે. પાર્ટી પોતાના નિયમોને ધ્યાનમાં રાખવા આમ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આપનો નિયમ છે કે જો એક જ પરિવારના ઘણા બધા લોકો પાર્ટીનો ભાગ છે તો ચૂંટણીની ટિકીટ કોઇ એકને જ આપવામાં આવશે. તો બીજી તરફ એક સમાચાર પત્રના અહેવાલ અનુસાર નવજોત સિંહ સિદ્ધૂની પત્નીને પાર્ટી મેદાનમાં ઉતારવા માંગે છે કારણ કે તે પંજાબમાં એક મજબૂત મહિલા ઉમેદવાર સાબિત થઇ શકે છે. જ્યારે સિદ્ધૂને એક સ્ટાર કેમ્પેન તરીકે ઉતારવામાં આવી શકે છે.

19 જુલાઇના રોજ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે તેમણે પંજાબથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું એટલા માટે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

You might also like