પુણે ટેસ્ટઃ આજનો દિવસ બંને ટીમ માટે મહત્ત્વનો બની રહેશે

પુણેઃ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ બંને ટીમ માટે મહત્ત્વનો રહેશે. પહેલો દિવસ સંપૂર્ણપણે ભારતના નામે રહ્યો હતો. જે અંદાજમાં પહેલી ઇનિંગ્સમાં ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે બોલિંગ કરી તેનાથી એ સ્પષ્ટ છે કે ફક્ત સ્પિનર્સ જ નહીં, બલકે ફાસ્ટ બોલર્સ માટે પણ આ પીચમાં ઘણું બધું છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડની ઝડપથી દુનિયાભરમાં બેટ્સમેનના મનમાં ડર હોય છે. એટલે આજે ભારતીય બેટ્સમેનોએ પણ ધૈર્ય અને સંપૂર્ણ સંયમ સાથે બેટિંગ કરવી પડશે, કારણ કે આ બંનેની બોલિંગમાં ઉતાવળ કરવી ટીમ ઇન્ડિયા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આજે મેચના બીજા દિવસે ગઈ કાલના અણનમ બેટ્સમેનો સ્ટાર્ક (૫૭) અને હેઝલવૂડ (૧) ઓસ્ટ્રેલિયાનો દાવ આગળ ધપાવવા મેદાનમાં ઊતર્યા હતા. આજે પહેલી જ ઓવર માટે કેપ્ટન કોહલીએ બોલ અશ્વિનને સોંપ્યો હતો. ઓવરના બીજા જ બોલ પર સ્ટાર્કે શાનદાર ચોગ્ગો ફટકારીને પોતાનો સ્કોર ૬૧ રન પર અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૨૬૦ રન પર પહોંચાડ્યો હતો, પરંતુ ઓવરના પાંચમા જ બોલ પર અશ્વિન ત્રાટક્યો હતો અને તેણે સ્ટાર્કને ૬૧ રનના જ સ્કોર પર જાડેજાના હાથમાં ઝિલાવી દેતા ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ ૨૬૦ રનમાં સમેટાઈ ગઈ હતી.

આમ ભારત તરફથી ઉમેશ યાદવે ચાર વિકેટ, અશ્વિને ત્રણ વિકેટ, જાડેજાએ બે વિકેટ અને જયંત યાદવે એક વિકેટ ઝડપી હતી. આ સાથે અશ્વિને વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો હતો. આજે અશ્વિને એક જ સિઝનમાં સૌથી વધુ ૬૪ વિકેટ ઝડપવાની સિદ્ધિ પોતાના નામે નોંધાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાના ૨૬૦ રનનાે જવાબ આપવા મુરલી વિજય અને કે. એલ. રાહુલે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઓવર િમચેલ સ્ટાર્કે ફેંકી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસી.ની પ્રથમ ઇનિંગ્સમાં જે રીતે બીજી જ ઓવર અશ્વિન પાસે કરાવી હતી, તેવી જ રીતે ઓસી. કેપ્ટન સ્ટીવન સ્મિથે સ્પિનર ઓ’કોફીને ભારતીય ઇનિંગ્સની બીજી ઓવર ફેંકવા માટે બોલ સોંપ્યો હતો. જોકે ભારતની શરૂઆત પણ સારી નહોતી રહી.

ટીમનો સ્કોર જ્યારે ૨૬ રન પહોંચ્યો ત્યારે મુરલી વિજય હેઝલવૂડની બોલિંગમાં ૧૦ રન બનાવી વેડના હાથમાં ઝિલાઈ ગયો હતો. સ્કોર જ્યારે ૪૪ રન પહોંચ્યો ત્યારે ચેતેશ્વર પૂજારા ફક્ત છ રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. આ જ સ્કોર પર સ્ટાર્ક ફરી ત્રાટક્યો હતો અને તેણે ધરખમ ફોર્મમાં રમી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ખાતું ખોલે એ પહેલાં જ હેન્ડ્સકોમ્બના હાથમાં ઝિલાવી દીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતનાે સ્કોર ત્રણ વિકેટે ૫૯ રન છે. રાહુલ ૩૯ રને અને રહાણે ત્રણ રને બેટિંગ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા પણ ફીરકીનો જાદુ અજમાવશે
બેશક ઓસ્ટ્રેલિયા પાસે આર. અશ્વિન અને જાડેજા જેવા ધુરંધર સ્પિનર નથી, પરંતુ તેમના સ્પિનર પણ પાછા નહીં જ પડે. ઓસી. પાસે નાથન લિયોન અને સ્ટીવ ઓ’કીફના રૂપમાં બે સ્પિનર ટીમમાં છે, જેમની ફીરકી આ પીચ પર કારગર સાબિત થઈ શકે છે. સ્ટીવ ઓ’કીફ પાસે ભલે બહુ અનુભવ ના હોય, પરંતુ તેનાે સાથી સ્પિનર નાથન લિયોન ૬૩ ટેસ્ટમાં ૨૨૮ વિકેટ ઝડપી ચૂક્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય બેટ્સમેનોએ આજે ઓસ્ટ્રેલિયન બોલિંગ સામે સંયમિત અને ધૈર્યપૂર્ણ બેટિંગનું પ્રદર્શન કરવું પડશે.

જૂના બોલથી ઉમેશ સારું પ્રદર્શન કરે છેઃ બાંગર
ઉમેશ યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ૨૮મી ઓવરમાં બોલિંગ પર લગાવવાના સવાલ અંગે ભારતીય ટીમના સહાયક સંજય બાંગરે કહ્યું કે તેની રિવર્સ સ્વિંગ કરવાની યોગ્યતાને કારણે આવું કરવામાં આવ્યું હતું. બાંગરે કહ્યું કે, ”ઉમેશ જૂના બોલથી સારું પ્રદર્શન કરવા માટે જાણીતો છે. એટલે સુધી કે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ તમે જોયું હશે કે તેને ઘણો રિવર્સ સ્વિંગ મળ્યો હતો. અમે પુણેમાં તેને એટલા માટે જ નવો બોલ સોંપ્યો નહોતો, કારણ કે અમને આશા હતી કે બોલ બહુ જલદી રિવર્સ સ્વિંગ થવા માંડશે. ઉમેશને ઇનિંગ્સની શરૂઆતમાં બોલ ન સોંપવાની અમારી રણનીતિ સચોટ હતી, કારણ કે ટોચના ક્રમમાં બે ડાબોડી બેટ્સમેન હતા.”

http://sambhaavnews.com/

You might also like