પુણેની કોસમોસ બેંકમાં હેકર્સ એટેક: ખાતામાંથી રૂા.94.42ની ઉઠાંતરી

પુણે: પુણેમાં કોસમોસ બેન્કનાં ખાતાંઓ હેક કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. કોસમોસ બેન્કના હજારો ગ્રાહકોનાં બેન્ક ખાતાં હેક કરીને રૂ.૮પ કરોડ જેટલી જંગી રકમ ગાયબ કરી દેવાતાં સમગ્ર બેન્કિંગ ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે. રૂ.૯૪ કરોડની હેકરો દ્વારા થયેલી લૂંટના પગલે અસરગ્રસ્ત ખાતાંધારકોની ઊંઘ હરામ થઇ ગઇ છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

હેકરોએ રીતસરનો કોસમોસ બેન્ક પર સાયબર હુમલો કરીનેે ૧પ,૦૦૦ વખત ટ્રાન્ઝેકશન કરીને બેન્કનું આખે આખું સર્વર હેક કરીનેે રૂ.૯૪.૪ર કરોડ ઉઠાવી લેતાં બેન્કિંગ સેકટરમાં ફફડાટ વ્યાપી ગયો છે. રૂ.૯૪.૪ર લાખની જંગી રકમ હોંગકોંગની હેંગસેંગ બેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. બેન્કના સર્વર પર સાયબર હુમલો કરનારા અજાણ્યા હેકરો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આ સાયબર હુમલાની વિગત એવી છે કે ગણેશખીંડ રોડ સ્થિત કોસમોસ બેન્કના હેડકવાર્ટરમાં ૧૧ ઓગસ્ટે બપોરે ૩-૦૦થી રાતના ૧૦-૦૦ વાગ્યા સુધી અને ૧૩ ઓગસ્ટે ૧૧-૩૦ કલાકે આ સાયબર હુમલો કરાયો હતો. સાયબર હુમલાખોરોએ બેન્ક સર્વર હેક કરીને ૧પ,૦૦૦ કરતાં વધુ ટ્રાન્ઝેકશન કર્યાં હતાં.

પોલીસને એવો શક છે કે વિદેશથી બેન્ક ખાતાંઓ હેક કરીનેે કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી છે. હાલ હેક થયેલાં બેન્ક ખાતાંઓ અને ખાતાંધારકોની તપાસ કરવામાં આવી રહી છે અને તેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે. આ માટે ખાતાંધારકોની પૂછપરછ જારી છે.

અહેવાલો અનુસાર પુણે ખાતે આવેલ કોસમોસ બેન્કની મુખ્ય શાખાનું સર્વર હેક કરવામાં આવ્યું હતું અને રૂ.૯૪.૪ર કરોડની કિંમતની હેરાફેરી હોંગકોંગ અને ભારતમાં કરવામાં આવી હતી. આ સર્વર ૧૧ ઓગસ્ટના રોજ હેક કરવામાં આવ્યું હતું અને વિવિધ ટ્રાન્ઝેકશન દ્વારા દેશની બહાર રૂ.૭૮ કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ભારતમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ) અને વિઝા દ્વારા રૂ.ર.પ કરોડનું ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યું હતું. ૧૩ ઓગસ્ટના રોજ સર્વર ફરીથી હેક કરવામાં આવ્યું હતું અને સ્વીફટ ટ્રાન્ઝેકશન દ્વારા રૂ.૧૪ કરોડની રકમ હોંગકોંગમાં હેંગસેંગ બેન્ક સ્થિત એએલએમ ટ્રેડિંગના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ કેસમાં સુહાસ સુભાષ ગોખલેએ બેન્ક વતી ચતુશૃંગી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ અંગે અજાણ્યા હેકર્સ અને એએલએમ ટ્રેડિંગ લિ., હેંગસેંગ બેન્ક વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો છે.

 

You might also like