પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર ખાતે યોજેલ એક સંયુકત પત્રકાર પરિષદમાં ‌ચીનાર કોર્પ્સના લેફ. જનરલ કે.એસ.‌ ધિલ્લોને કાશ્મીરના પથ્થરબાજોને ફાઇનલ ચેતવણી આપી હતી કે જો તેઓ આતંકીઓને મદદ કરશે તો માર્યા જશે. તેમણે કાશ્મીરી માતાઓને અપીલ કરી હતી કે તેઓ પોતાનાં બાળકોને આતંકનો માર્ગ છોડી દેવા સમજાવે. જો તેમણે બંદૂક ઉઠાવી કે પથ્થરમારો કર્યો તો તેઓ માર્યા જશે.

સંયુકત પત્રકાર પરિષદમાં ‌લેફ. જનરલ કે.એસ. ધિલ્લોને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ માત્ર ૧૦૦ કલાકની અંદર જ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ રાશીદ અને કામરાનને ફૂંકી માર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જૈશ-એ-મોહંમદના આતંકીઓ ઉપર અમારી નજર હતી અને કાશ્મીર ખીણમાં ૧૦૦ કલાકની અંદર જૈશની લીડર‌િશપને ખતમ કરી નાખી છે.

જમ્મુ-કાશ્મીરની મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે તેઓ તેમનાં બાળકોનેે સમજાવે અને તેમને સરેન્ડર કરવા જણાવે. તેમની પાસેે સરેન્ડર નીતિ છે. જો તેઓ સેના વિરુદ્ધ બંદૂક ઉઠાવશે તો માર્યા જશે. અમે ઇચ્છતા નથી કે કોઇ પણ નાગરિક ઘાયલ થાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પુલવામાના આતંકી હુમલા પાછળ આઇએસઆઇનો હાથ હતો અને તેમની મદદથી જ જૈશના આતંકીઓએ હુમલો કર્યો હતો.

લેફ. જનરલ કે.એસ. ધિલ્લોને જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના પથ્થરબાજોને આ આખરી ચેતવણી છે કે જો તેઓ એન્કાઉન્ટરના સ્થળે હવે આવશે તો કોઇ પણ જાતની ચેતવણી આપ્યા વગર ઠાર કરવામાં આવશે.

You might also like