પુલકિત વ્યાસ અંગે નિર્ણય લેવાનો ભાજપ હાઈકમાન્ડ પાસે સમય નથી

અમદાવાદ: ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસની રેસ્ટોરાંમાં દાદાગીરીનો મામલો શહેરીજનોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પુલકિત વ્યાસની વડા પ્રધાન, મુખ્યપ્રધાન સામેની અભદ્ર ટિપ્પણીઓનો વી‌િડયો પણ લોકો સુધી પહોંચી ગયો છે. જોકે ભાજપ હાઇકમાન્ડ આવા બેફામ વાણી-વિલાસ તેમજ વર્તન કરનાર પોતાના પક્ષના કોર્પોરેટર વિરુદ્ધ શું કાર્યવાહી કરવી તે અંગે હજુ નિર્ણય લઇ શકતું નથી, કેમ કે ઓમ માથુરની મુલાકાતના પગલે હાઇકમાન્ડ વ્યસ્ત છે.

મેયર ગૌતમ શાહે પુલકિત વ્યાસને ગયા શુક્રવારે તાકીદે બોલાવી સમગ્ર મામલે પૂછપરછ કરી હતી. તે વખતે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા પણ હાજર હતા. મ્યુનિ. ભાજપના પ્રભારી આઇ.કે. જાડેજાની કડક તાકીદને પગલે મ્યુનિ. ભાજપના હોદ્દેદારોને તપાસના ચક્રો ગતિમાન કરવા પડ્યા છે. પુલકિત વ્યાસ અંગેની પોતાની તપાસ પૂર્ણ કરીને મેયર શાહે ગયા શનિવારે આઇ.કે. જાડેજાને રિપોર્ટ પરત મોકલાવી દીધો હતો. જેમાં મેયરે સમગ્ર ઘટના તેમજ કોર્પોરેટરની રજૂઆત, તેમનું માફીનામું વગેરેની નોંધ કરી છે. ગયા મંગળવાર સુધીમાં આ અંગે નિર્ણય લઇ લેવાનો હતો. જોકે તેમાં ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુરની ગુજરાત મુલાકાતથી ‌વિલંબ થયો છે.

આ અંગે મ્યુનિ. ભાજપના પ્રભારી આઇ.કે. જાડેજાને પૂછતાં તેઓ કહે છે કે, ‘પ્રદેશ હાઇકમાન્ડને મારો રિપોર્ટ બે-ત્રણ દિવસ પહેલાં મોકલી દેવાયો છે. પરંતુ અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે હાઇકમાન્ડ નિર્ણય લઇ શકતું નથી તેમ લાગે છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના કોર્પોરેટરોનો એક વર્ગ ઉદ્દંડ પુલકિત વ્યાસને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માગણી કરી રહ્યો છે. જ્યારે બીજો વર્ગ તેમને ઠપકો આપીને માફ કરવાનો આગ્રહી છે.

You might also like